દાહોદના જૂના વણકરવાસમાં ૭૭૩ ઘરોમાં ૪૫૦૯ લોકોના આરોગ્યની સઘન ચકાસણી : કોરોનાગ્રસ્ત કુરેશી પરિવારના સંપર્કમાં આવેલા લોકો પોલીસ કે આરોગ્ય તંત્રનો સંપર્ક કરે તેવી કલેક્ટર વિજય ખરાડી તથા એસપી હિતેશ જોયસરની અપીલ
દાહોદ, તા.૬
અહીં કસ્બા વિસ્તારમાં આવેલા જૂના વણકરવાસને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા ત્યાં રહેતા લોકોની સઘન આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવામાં આવી છે. કોરોનાગ્રસ્ત પરિવારના સીધા સંપર્કમાં આવેલા ૫૧ લોકોને અત્યાર સુધીમાં ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે.
તેમણે કહ્યું કે, કુરેશી પરિવારના સીધા સંપર્કમાં આવેલા લોકો વહીવટી તંત્રનો સંપર્ક કરે તે જરૂરી છે. કોરોનાથી બિલ્કુલ ડરવાની જરૂર નથી. સમયસર સારવાર મળે તો ઝડપથી સાજા થઇ જવાની શક્યતા વધુ છે. એથી આ પરિવારના સંપર્કમાં આવેલા લોકો ટાઉન પોલીસ સ્ટેશન અથવા ૧૦૮ કે ૧૦૭૭ નંબર ફોન કરીને સંપર્ક કરી શકાય છે.
આવી જ અપીલ કરતા જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું કે, કુરેશી પરિવારમાંથી અન્ય લોકોને કોરોના લાગતો રોકવા માટે તેના સંપર્કમાં આવેલા લોકોને ઝડપથી ઓળખ કરી ક્વોરોન્ટાઇ કરવા જરૂર છે. આ પરિવાર સાથે સંપર્કમાં આવેલા લોકોની નૈતિક જવાબદારી બને છે કે, એ ઝડપથી પોલીસ અથવા આરોગ્ય તંત્રનો સંપર્ક કરી ક્વોરોન્ટાઇન થાય. જેથી નગરમાં અન્ય લોકોને આના ચેપથી સુરક્ષિત રાખી શકાય.
એ દરમિયાન, આરોગ્ય વિભાગ દ્વારા જૂના વણકરવાસમાં આવેલા ૭૭૩ ઘરોના ૪૫૦૯ લોકોના આરોગ્યનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આ માટે ૬ મેડિકલ ઓફિસર, ૬ હેલ્થ સુપરવાઇઝર, ૧૫ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને આશા વર્કર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂના વણકરવાસમાંથી ૩૩ સેમ્પલ અત્યાર સુધીમાં લેવામાં આવ્યા છે. જે પૈકી કુરેશી પરિવારના ૭ને બાદ કરતા બાકીના નેગેટિવ આવ્યા છે. આ પરિવારના સંપર્કમાં આવેલા ૫૧ વ્યક્તિની ઓળખ કરીને ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવી છે.
#Sindhuuday Dahod