નડિયાદ જિલ્લામાં ૧૦૦ જેટલા સેનિટરી નેપકીન (પેડ) વેન્ડિંગ મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવશે
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ જિલ્લામાં ૧૦૦ જેટલા સેનિટરી નેપકીન (પેડ) વેન્ડિંગ મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવશે
માસિક ધર્મ એટલે સ્ત્રીના જીવન સંબધિત એક મહત્વની બાબત છે. જે સામાન્ય રીતે ૧૨ થી ૧૪ વર્ષની વચ્ચે આ પ્રક્રિયા શરુ થઇ જાય છે. કોઈ પણ યુવતી માટે તે માટે યોગ્ય સમજણ જરૂરી છે. આ બાબતમાં રૂઢીગત ચાલી આવતી પ્રથાને લીધે, પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ સમસ્યામાંથી બહાર લાવવા માટે એક સારી અને સ્વાસ્થ્યપ્રદ સમજણ ખુબ જરૂરી બની ગઈ છે. પરંતુ હજુ પણ સેનિટરી નેપકીન (પેડ) ની સરળ ઉપલબ્ધતા, વધુ કિંમત તેમજ તેને ખરીદવા જવા માટેનાં ખચકાટના કારણે શાળાએ જતી કિશોરીઓ સેનેટરી પેડનો ઉપયોગ નહિવત કરે છે. જેથી માસિક ધર્મ વખતે શાળાએ ન જવાનું પ્રમાણ પણ વધુ જોવા મળતું હોય છે. જો શાળામાં જ કિશોરીઓને સરળતાથી સેનિટરી નેપકીન (પેડ) મળી રહે તો, કિશોરીઓનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થઇ શકે છે. આવા શુભ આશયથી ખેડા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા ૧૫માં નાણાપંચ તથા અન્ય ગ્રાન્ટમાંથી જિલ્લાની સરકારી માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૦૦ જેટલા સેનિટરી નેપકીન (પેડ) વેન્ડિંગ મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલ છે. જેથી કિશોરીઓને જયારે સેનિટરી નેપકીન (પેડ) ની જરૂરિયાત હોય ત્યારે લઇ ઉપયોગ કરી શકે. તે બાબતે, તરૂણીઓમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ શાળાઓ ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરી તરૂણીઓને જાગૃત કરવામાં આવશે. આ ઉમદા પ્રયાસ થકી કિશોરીઓમાં માસિક સ્વચ્છતા સંબંધી જાગૃતિ કેળવાશે અને તેમના શારીરિક, માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો થશે.