ખેડાના નવાગામ ખાતે રૂપિયા ૪૮ લાખના ખર્ચે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ ભુમિપુજન કરાયુ

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના ખેડા તાલુકાના નવાગામ ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ  ભુમિપુજન કરાયુ હતું. આ પ્રસંગે સંચારમંત્રીએ નવાગામ વાસીઓને  વિશ્વકર્મા જયંતિની શુભકામનાઓ પાઠવતા જણાવ્યુ હતું કે આ ગામે મને બહુ પ્રેમ આપ્યો છે. જેના થકી આજે ભારત સરકારમાં ભારત વાસીઓ માટે અને દેશ માટે ઉત્ક્રૃષ્ટ કામગીરી કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે. તે માટે સદૈવ ગ્રામવાસીઓનો ઋણી રહીશ. વધુમાં મંત્રીએ ભારતના પોસ્ટ વિભાગની જાણકારી આપતા જણાવ્યુ કે દેશનું સૌથી વિશ્વાસપાત્ર નેટવર્ક હોય તો તે પોસ્ટ વિભાગનો છે. પોસ્ટ વિભાગ પાસે ૪ લાખ ૫૦ હજાર થી વધારે કર્મચારીઓ છે.
પોસ્ટ વિભાગની સિદ્ધિઓની વાત કરતા મંત્રીએ જણાવ્યુ કે આજે પ્રધાનમંત્રીના વિઝનથી પોસ્ટના વિશ્વાસુ નેટવર્કથી આજના સમયમાં ૫૭૪૬ નવી પોસ્ટ ઓફીસનું નિર્માણ થયુ છે. વધુમાં મંત્રીએ જણાવ્યુ કે પહેલા પોસ્ટ વિભાગમાં પત્રાવ્યવહાર,પાર્સલની હેરફેર કરવામાં આવતી હતી. પણ આજના સમયમા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક થકી પોસ્ટ વિભાગે બેંકીગ ક્ષેત્રોમાં પણ આગવી સિદ્ધિ હાંસલ કરી છે. આજે પોસ્ટ ઓફીસની બેંકોમાં ૮ કરોડથી પણ વધારે બચત ખાતા છે. પોસ્ટ ઓફીસની બેંકો પર રાષ્ટ્રીયકૃત બેંકોની જેમ નાગરીકોએ વિશ્વાસ મુક્યો છે.
વધુમાં મંત્રીએ અંત્યોદય શ્રમિક સુરક્ષાની માહિતી આપતા જણાવ્યુ હતુ કે સમગ્ર ભારતમાં સૌથી પહેલા પોસ્ટ વિભાગ દ્વારા કાર્યરત આ યોજના ૮ જુલાઇ ૨૦૨૩માં નડિયાદના ઇપ્કોવાલા હોલ ખાતે પાયલોટ પ્રોજેકટ તરીકે ખેડા જિલ્લામાં શરૂ કરવામા આવી હતી. માત્ર ૬૦ જ દિવસોમાં ૧ લાખ ૩૫ હજાર શ્રમિકોએ આ યોજનાનો લાભ લીધો હતો. સાથોસાથ સમગ્ર ગુજરાતમા ૩ લાખ જેટલા શ્રમિકોએ આ યોજનાનો લાભ લીધો હતો. ફ્ફ્ત ૪૯૯ રૂપિયાની પોલીસી મુશ્કેલીના સમયે આશીર્વાદરૂપ સાબીત થાય છે તેમ મંત્રીએ જણાવ્યુ અને વધુ લોકો આ યોજનાનો લાભ લે તેવી વિનંતિ કરી હતી.
વધુમાં મંત્રીએ પોસ્ટ ઓફિસની માહિતી આપતા જણાવ્યુ કે આ નવુ ભવન રૂપિયા રૂપિયા ૪૮ લાખના ખર્ચે તૈયાર થશે જેમા પોસ્ટ ઓફીસની બિલ્ડિંગમાં પર્યાપ્ત જગ્યા, હવા-ઉજાશ, જાહેર જનતા માટે બેઠક વ્યવસ્થા અને વાહન પાર્કિંગની અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે. જેથી પોસ્ટ ઓફીસમાં વૃદ્ધો અને અન્ય તમામ વ્યક્તિઓને વધુ સારી સેવા આપી શકાય.
કાર્યક્રમ અંતે મંત્રીના હસ્તે સુકન્યા સમૃદ્ધિ યોજના મહિલા સન્માન બચત પ્રમાણપત્ર અને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાના લાભાર્થીઓને પાસબુકનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિહ ચૌહાણ, નવાગામ સરપંચ, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલ ગણેશ વી. સાવલેશ્વરકર, પોસ્ટ માસ્ટર જનરલ,  સુચિતા જોષી, દક્ષિણ ગુજરાત પ્રદેશ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસ ડો. એસ. શિવરામ, અને પોસ્ટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: