સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાની ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે,જિલ્લા ચૂંટણી અધિકારી
નરેશ ગનવાણી નડિયાદ

ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની ચૂંટણી અંગેની જાહેરાત તા.૧૬ માર્ચ ૨૦૨૪ના રોજ કરવામાં આવી છે. જે અન્વયે ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.
કલેક્ટર દ્વારા અપાયેલી માહિતી મુજબ ખેડા જિલ્લા લોકસભા મતવિસ્તાર અનુસાર કુલ ૧૦,૧૮,૪૯૭ પુરુષ મતદારો, ૯,૭૩,૩૭૦ મહિલા મતદારો તેમજ અન્ય ૧૦૧ અન્ય મતદાર મળીને કુલ ૧૯,૯૧,૯૬૮ નોંધાયેલા મતદારો છે. લોકસભા મતવિસ્તાર અનુસાર કુલ ૨,૦૩૨ મતદાન મથકોમાં મતદાન થશે. જિલ્લામાં વિધાનસભા મતવિસ્તાર અનુસાર કુલ દિવ્યાંગ મતદારોની સંખ્યા ૨૧,૮૭ છે. ઉપરાંત કુલ ૬૩૫ સેવા મતદારો તથા કુલ ૭૦૪ મહાનુભાવ મતદારો છે. વધુમાં કુલ ૧૨,૨૮૯ મતદારો ૮૫ વર્ષથી વધુ વયના છે. વધુમાં કલેક્ટરએ કોઈપણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદેશથી, ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઈપણ વ્યકિત લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઈપણ જાણકારી મળે અથવા મતદારોને ધાક-ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો, તે અંગે ફરિયાદ મેળવવા માટે ઉભા કરવામાં આવેલા ખેડા જિલ્લાના 24×07 ફરિયાદ દેખરેખ – નિયંત્રણ એકમના ટોલ ફ્રી નંબર 1800 233 1338તથા 1950 પર જાણ કરવા વિનંતી કરી હતી. આ ઉપરાંત ચૂંટણી સંબંધી કોઈ ઓનલાઈન ફરીયાદ માટે C-VIGIL Mobile App નો ઉપયોગ કરવા અંગે કલેક્ટરએ માહિતી આપી હતી. આદર્શ આચારસંહિતા ઉલ્લંઘનની ફરીયાદ કરવા માટે અરજદાર પોતાના મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી ફરીયાદ કરી શકે છે. જેમાં અરજદાર ફરીયાદ અંગેના ચિત્રો, વિડીયો, ચોકકસ ઘટનાનું વર્ણન તદ્દન ગોપનીય રીતે કરી શકે છે તેમ કલેક્ટરએ ઉમેર્યું હતું. વધુમાં, કલેક્ટરએ જણાવ્યું હતું કે મતદારો તેમના વિસ્તારના ઉમેદવારની માહિતી મેળવવા માટે Know Your Candidate (KYC) મોબાઈલ એપનો ઉપયોગ કરી શકે છે. KYC એપમાં પોતાના વિસ્તારના ઉમેદવારની માહિતી, સોગંદનામાની વિગતો ઓનલાઈન જોઈ શકાય છે તેમ કલેક્ટરએ જણાવ્યું હતું.
અંતમાં લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
