ખેડા જિલ્લામાં કુલ ૪૪૯૬ જેટલા પોસ્ટર-બેનર્સ સહિતની પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે જિલ્લા ચૂંટણી તંત્ર પ્રતિબધ્ધ બન્યું છે. ચૂંટણી દરમિયાન આચાર સંહિતાના અમલ માટે જિલ્લાકક્ષાના ૪ અમલીકરણ નોડલ અને ૪ અમલીકરણ મદદનીશ નોડલ સહિત નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તાર મળીને કુલ ૨૦ અમલીકરણ નોડલ તથા ૨૭ અમલીકરણ મદદનીશ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જે પૈકી નગરપાલિકા વિસ્તારોમાં સંબંધિત ચીફ ઓફીસરઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને આચારસંહિતા અમલીકરણ નોડલ તરીકે નિમવામાં આવ્યા છે. આદર્શ આચાર સંહિતાના મુખ્ય નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ. એ. પટેલના જણાવ્યા અનુસાર ચૂંટણી જાહેર થતાની સાથે જ જિલ્લાભરમાંથી જાહેર તથા ખાનગી મિલકતો પરથી રાજકીય પક્ષોના બેનર્સ, પોસ્ટર, ભીંત લખાણો સહિત અન્ય સામગ્રી હટાવવાની કામગીરી કરવામાં આવી છે. જે અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકીય પક્ષોના પોસ્ટર, બેનર્સ, લખાણો હટાવવાની કામગીરી જિલ્લાના દસ નગરપાલિકા વિસ્તાર તેમજ તાલુકા કક્ષાએ ટીમો બનાવી ચૂંટણી જાહેર થતાની સાથે જ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીના ભાગરૂપે ખેડા જિલ્લામાં તા. ૬ એપ્રિલ ૨૦૨૪સુધીમાં આજદિન સુધી મિલકતો ઉપર જોવા મળેલ ૧,૧૫૨ ભીંત લખાણો, ૧,૧૪૬ પોસ્ટર, ૫૯૬ બેનર્સ તથા અન્ય ૭૪૫ મળીને કુલ ૩,૬૩૯ પ્રકારની સામગ્રી હટાવવામાં આવી છે. જયારે ખાનગી મિલકતો પરથી ૩૬૬ ભીંત લખાણો, ૨૫૭ પોસ્ટર, ૮૨ બેનર્સ તેમજ અન્ય ૧૫૨ મળીને કુલ ૮૫૭ પ્રકારની પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી હતી. આમ કુલ ૪,૪૯૬ જેટલા પોસ્ટર-બેનર્સ સહિતની પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી હોવાનું આદર્શ આચાર સંહિતાના મુખ્ય નોડલ અધિકારી એલ. એ. પટેલે જણાવ્યું છે.
