અકસ્માત કારણે એક્સપ્રેસ હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ – અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર મંગળવારે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માત બાદ અંદાજે ૪ કલાક માટે એક્સપ્રેસ હાઇવે પર વાહનો ફસાયા હતા. જેને કારણે કેટલાક વિદેશ જઇ રહેલા લોકો પોતાની ફ્લાઇટ પણ ચૂકી ગયા હતા. જ્યારે અન્ય વાહનચાલકો પણ પરેશાન થઇ ગયા હતા. વાહનોની લાંબી કતારને કારણે ક્રેઇનને પણ ઘટનાસ્થળે પહોંચાડવા રોંગ વે માંથી પસાર કરાઈ હતી. રાતે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં થયેલા ચક્કાજામ બાદ સવારે ૩.૩૦ વાગ્યાના અરસામાં વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.
નડિયાદ – અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર મંગળવારની મોડી રાત્રે અમદાવાદથી 8 કિમી દૂર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેને કારણે વાહનોની લાંબી લાઇન ઠેઠ નડિયાદ સુધી પહોંચી હતી. જોકે અકસ્માત થયેલ બે ટ્રકને રોડ પરથી હટાવા ક્રેઇને જવા માટે એક્સપ્રેસ હાઇવે પર વાહનોની લાંબી લાઈનો હોવાથી ક્રેઇનને રોંગ સાઇડમાં
ઘટનાસ્થળ સુધી પહોંચાડવામાં આવી હતી.
બંને ટ્રેકને રોડની સાઇડમાં ખસેડીને ટ્રાફિક સામાન્ય કરવામાં આવ્યો હતો. જોકે, આ દરમિયાન સર્જાયેલા ચક્કાજામમાં નડિયાદ નજીકથી કેટલાક વાહનોને નેશનલ હાઇવે પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. એકપણ એક્ઝિટ ન હોવાથી નડિયાદ – અમદાવાદ રોડ ઉપર અંદાજે એક હજારથી વધુ વાહનો ચાર કલાક સુધી ફસાયા હતા.
અમદાવાદ રૂરલ પોલીસની હદમાં થયેલાં ત્રિપલ અકસ્માતને પગલે વાહનોની કતાર ઠેઠ નડિયાદ સુધી લાગી હતી. આ ચક્કાજામમાં નાના બાળકો સાથેના કેટલાંક પરિવારો પણ ફસાયા હતા.