અજાણ્યા શખ્સોએ નડિયાદ પીજ ચોકડી પાસે યુવાનનુ અપહરણ કરતાં ચકચાર
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં ગઇકાલે મોડી સાંજે કાકા સાથે બાઈક પર નોકરીએથી ઘરે આવતા યુવાનને કારમાં આવેલા અજાણ્યા ૪ શખ્સોએ પીજ ચોકડી નજીકથી અપહરણ કરી લેતા ચકચાર મચી જવા પામી છે.જોકે મોડી રાત્રે અપહરણ થયેલા યુવાનનો પતો લાગતા આ
સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસમાં અપહરણ કરનાર ૪ માં એકની નામ જોગ તો અન્ય ૩ અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તો ફરિયાદમાં અપહરણ કરનાર ચાર પૈકી એક વ્યક્તિ ૧૦ દિવસ અગાઉ ચોરી કરવાના વહેમથી આવ્યા હોવાની શંકાએ અને આ સમયે યુવાન સાથે માથાકૂટ થતા આ અપહરણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
નડિયાદ તાલુકાના ઈચ્છાપુરા ગામે રહેતા નરેન્દ્રકુમાર રતનભાઇ પરમાર પીપલગ ચોકડી પાસે ફેક્ટરીમાં નોકરી કરે છે. તેમની સાથે તેમનો કૌટુંબિક ભત્રીજો કલ્પેશકુમાર ચીમનભાઈ પરમાર રહે.ઈચ્છાપુરા પણ ઉપરોક્ત ઠેકાણે નોકરી કરે છે. કાકા અને ભત્રીજા એક જ વય ના હોવાથી બંને સાથે બાઈક પર નોકરીએ આવતા હતા અને જતા હતા. ગઇકાલે સાંજે બંને બાઇક પર નોકરીએથી ઘરે જતા હતા ત્યારે નડિયાદના પીજ ચોકડી બ્રિજ પાસે એક કારમાં અવેલા ૪ શખ્સોએ કલ્પેશને ઊભા રાખી ગાળો બોલી જબરજસ્તીથી કારમાં બેસાડી દીધો હતો. નરેન્દ્રકુમાર વચ્ચે પડતા ચારેય લોકોએ નરેન્દ્રભાઈને માર મારવા ફરી વળ્યા હતા. અને કલ્પેશને ગાડી આણંદ તરફ ગયા. નરેન્દ્ર ભાઈએ ચારમાંથી એકને ઓળખતા હતા જેમાં તેનું નામ અજય તળપદા (રહે.ખાડવાઘરી વાસ, નડિયાદ) હોવાનું જાણતા હતા. જે અજય આજથી ૧૦ દિવસ અગાઉ રાત્રીના સમયે નરેન્દ્રભાઈના ફળિયામાં આવ્યો હતો અને ચોરી કરવા આવેલ હોવાનું વહેમ રાખી કલ્પેશે અજયને પકડી પોલીસના હવાલે કર્યો હતો. તેની સાથે અન્ય એક ઈસમ પણ હતો જે બાબતની રીસ રાખી અપહરણ કર્યું હોવાનું નરેન્દ્રભાઇને ધ્યાને આવ્યું હતું. તેમણે નડિયાદ પશ્ચિમ પોલીસમાં પોતાના ભત્રીજાની અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસના પીઆઈ પઢીયારે જણાવ્યું કે, મોડીરાત્રે મરીડા કેનાલ પાસેથી અપહરણ થનાર કલ્પેશ પરમાર મળી આવ્યો હતો. જેને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ અમે નિવેદનો લઈ રહ્યા છે. પ્રાથમિક તપાસમાં આ અપહરણ કરનાર અજય તળપદા અને તેના મળતીયઓએ યુવાનનું અપહરણ કરી મરીડા કેનાલ પાસે ઉતારી દીધો હતો. ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને તપાસ ચાલુ છે.