સાયબર ક્રાઇમ પોલીસે નડિયાદ પાસે ૨.૦૬ લાખના વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી પાડયો
નરેશ ગનવાણી નડિયાદ
અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનથી વડોદરા તરફ લઈ જવાતો વિદેશી દારૂ નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવેથી પીછો કરી કારને ઝડપી લીધો છે. પોલીસે રૂપિયા ૨.૬ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક અને દારૂનો જથ્થો ભરી આપનાર અને મંગાવનાર મળી કુલ 3 સામે ફરિયાદ દાખલ નડિયાદ ટાઉન પોલીસ મથકે થઇ છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને બાતમી મળેલ કે મોડાસાથી એક્સપ્રેસ હાઇવે ઉપર થઈ વડોદરા તરફ અવાર નવાર પરપ્રાતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂની વાહનોમાં હેરાફેરી થાય છે. જે આધારે પોલીસના માણસો ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલ ગણેશ ચોકડી પાસે વોચમા ઉભા હતા. આ દરમિયાન મહુધા તરફથી શંકાસ્પદ કાર આવતા કારને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ કારના ચાલકે કાર ભગાડી મુકી હતી. પોલીસે પીછો કરી એક્સપ્રેસ હાઇવેના વડોદરા તરફ જવાના ટોલ પરથી પકડી પાડી હતી. પોલીસે કાર ચાલકનુ નામઠામ પુછતા ચોખારામ તેજારામ ગોદરા (રહે.બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. કારની તલાસી લેતાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની ગણતરી કરતા કુલ રૂપિયા ૨ લાખ ૬ હજારનો વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂપિયા ૫ લાખ ૧૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં ડીલીવર કરવાનો હતો તે દિશામાં ચાલકને પુછતા ચાલક ચોખારામે પોલીસ સમક્ષ જણાવ્યું કે તેનો મિત્ર નયન ઉર્ફે નરેશ રહે. ખેરવાડાનાએ વિજયનગર બોર્ડર ઉપર આવી ઉપરોકત ગાડી આપી અને કહ્યું કે તુ મારી પાછળ પાછળ ગાડી લઈને આવ તે કપડવંજ સુધી તેને લઈ આવેલ અને ત્યાથી કહેલ કે તુ અહીયાથી નડિયાદ થઇ વડોદરા એક્સપ્રેસ હાઇવે થઈ વડોદરા ટોલ પાસ કરી ગાડી ઉભી રાખજે ત્યા પાર્ટી ગાડી લેવા આવી જશે. કોઈ મુન્ના નામના ઇસમને આ દારૂ સપ્લાય કરવાનો હતો. પોલીસે કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોધાવી કાયદેસરની તપાસ હાથ ધરી છે.