જિલ્લાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સંજેલીમાં ઓચિંતી તપાસ હાથ ધરાઈ.

જિલ્લાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સંજેલીમાં ઓચિંતી તપાસ હાથ ધરાઈ

17 જેટલા ખાદ્ય પદાર્થોના નમુના લીધા: પાણી પકોડીની લારીઓમાંથી શંકાસ્પદ જણાતો રગડો તેમજ 20 લીટર પાણીપુરીના પાણીનો નાશ કર્યો

દાહોદ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સંજેલી તાલુકા તથા કદવાલ ગામમાં ખાદ્ય પદાર્થની દુકાનો, જ્યુસની લારીઓ, પાણી પકોડીની લારીઓ તેમજ ઠંડા પીણા અને આઈસ્ક્રીમની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરી ખાદ્ય પદાર્થોના કુલ 17 જેટલા નમુના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યાનું તેમજ પાણી પકોડીની લારીઓ પરથી શંકાસ્પદ જણાતો રગડો તેમજ પાણીપુરીના પાણીનો સ્થળ પર જ નાશ કર્યાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી એકધારી સતત રીતે પડી રહેલી કાળઝાળ ગરમી અને તેના પગલે હિટ વેવના કારણે કાળઝાળ ગરમીથી બચવા સરકાર દ્વારા વિશેષ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. હીટવેવને કારણે હીટસ્ટ્રોકની સાથે સાથે ડીહાઇડ્રેશનના પણ કેસો સામે આવ્યા. ત્યારે આ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા તેમજ આઈસ્ક્રીમ જેવી ચીજ વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ કરવા લાગતા તે બાબતને ધ્યાનમાં લઇ તગડો નફો મેળવવા બજારમાં ડુપ્લીકેટ ઠંડા પીણા તથા આઈસ્ક્રીમ નું વેચાણ કેટલાક લોકો કરતા હોવાનું લાગતા વળગતા તંત્રના ધ્યાને આવતા આજે દાહોદ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગનેટેડ ઓફિસર વિપુલ ડી રાણાની સુચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરની ટીમે આજે મંગળવારે સંજેલી તાલુકામાં તેમજ કદવાળ ગામમાં નાસ્તા તેમજ ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ, ઠંડા પીણા તેમજ શરબતનું વેચાણ કરતી હાથ લારીઓ, દુકાનો તેમજ હાટડીયો, કેરીના રસનું વેચાણ કરતી લારીઓ તથા પાણી પકોડીની લારીઓ તેમજ ખૂમચાઓ ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ છ જેટલી પાણી પકોડીની લારીઓ, ચાર જેટલી કેરીના જ્યુસની લારીઓ તેમજ દુકાનો અને આઇસ્ક્રીમ અને લસ્સીનું વેચાણ કરતી પાંચ જેટલી દુકાનોમાં તપાસ હાથ ધરી કુલ 17 જેટલા ખાદ્ય પદાર્થોના નમુના લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પાણી પકોડીની લારીઓમાંથી પકડી પાડેલો શંકાસ્પદ જણાતો રગડો તેમજ 20 લીટર જેટલા પાણી પકોડીના પાણીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી ઓચિંતી તપાસના પગલે ડુપ્લીકેટ ખાદ્ય પદાર્થો તેમજ ઠંડા પીણા આઈસ્ક્રીમ વગેરેનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: