લગ્નમાંથી પરત આવતા કપડવંજ પાસે અકસ્માત સર્જાયો જેમાં ત્રણનાં મોત નિપજ્યા

નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ પાસે ગઇકાલે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવા જતાં ઈકો કારની કન્ટેનર સાથે ટક્કર થઈ હતી. જેથી ઈકોનો કચ્ચણઘાણ વળી ગયો હતો. દીકરાના લગ્ન કરાવી પરત આવી રહેલા પિતા સહિત ત્રણ જાનૈયાના મોત થયા હતા. તેમજ ઈકો કારમાં સવાર ૮ લોકોને ઈજા પહોંચી છે.
કપડવંજ તાલુકાના સોરણા ગામે મિતેશભાઈ રમેશભાઈ પરમાર રહે છે. ગતરોજ આ ગામમાં રહેતા અરવિંદભાઈ ફુલાભાઈ વાઘેલાના બે દિકરા ગણપત તેમજ દશરથના લગ્ન હતા. જે લગ્રની જાન આ ગામથી મહાદેવ પાખીયા ખાતે ગઈ હતી. જેમાં અરવિંદભાઈના પરિવારજનો અને ગ્રામજનો પણ પોતાના જુદાજુદા વાહનો લઇને લગ્નમાં પહોંચ્યા હતા. લગ્ન પૂર્ણ કરી જાન લઈને પરત આવી રહ્યા હતા. સોરણા ગામના કલ્પેશભાઈ રાયસિગભાઈ ખાંટની ઈકો કારમાં અરવિંદભાઈ ફુલાભાઈ વાઘેલા, મિતેશભાઈ પરમાર, કલ્પેશભાઈ ખાંટ સહિત ૮ લોકો પરત ઘરે આવી રહ્યા હતા. ઈકો કાર રાજુભાઇ રામજીભાઈ રબારી ચલાવતા હતા.
ગઇકાલે સાંજે ઈકો કાર કપડવંજના આમલપુરા પાસે કારના ચાલક રાજુભાઇ રબારીએ આગળ જતાં વાહનોને ઓવરટેક કરવા જતાં કપડવંજ તરફથી આવતી કન્ટેનર ટ્રક સાથે પોતાની ઈકો કાર ધડાકાભેર અથડાવી હતી. જેથી ઈકો કારનો લોચો વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર
અરવિંદભાઈ ફુલાભાઈ વાઘેલા, કલ્પેશભાઈ રાયસીંગભાઈ ખાંટ જયંતીભાઈ સાંકળભાઈ શર્મા આ ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જેમાં પુત્રના લગ્ન કરાવી પરત આવી રહેલા પિતાનો પણ સમાવેશ થાય છે. જ્યારે ૮ લોકોને શરીરે ઈજાઓ પહોંચતા તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવું અંગે
કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!