અમદાવાદના ચાર મિત્રો ગળતેશ્વરમાં ડૂબ્યા, એક મિત્રને બચાવવા જતાં અન્ય ત્રણ પણ ડૂબ્યા
નરેશ ગનવાણી નડિયાદ
અમદાવાદથી ૯ જેટલા મિત્રો ગળતેશ્વર ફરવા માટે આવ્યા હતા. તે દરમિયાન ગળતેશ્વરની મહીસાગર નદીમાં નહાવા આવેલા પૈકી ચાર મિત્રો ડૂબ્યા હતા. જે બાદ ઘટનાસ્થળે ઉપસ્થિત સ્થાનિક તરવૈયાઓએ ૪ માંથી એકનો જીવ બચાવી લીધો હતો. જોકે, ત્રણના ખાલી મૃતદેહ જ હાથ લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સેવાલિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.
ખેડા જિલ્લાના ગળતેશ્વરની મહીસાગર નદીમાં રવિવારે અમદાવાદથી ૯ આવ્યાં હતાં જેમાં કેટલાક મિત્રો નદીમાં નહાવા ઊતર્યા હતા અંને ડૂબ્યા હોવાની ઘટના બની છે. જેમાં એકનો મૃતદેહ રવિવારે અને અન્ય બેના મૃતદેહ આજે મળી આવ્યા હતા.
અમદાવાદમાં રહેતા ૯ મિત્રોનું ગ્રુપ રવિવારે ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકમાં આવ્યું હતું. આ દરમિયાન આ ગ્રુપના કેટલાક લોકો ગળતેશ્વર નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જેમાં ગ્રૂપનો એક સભ્ય નદીમાં ડૂબવા લાગ્યો હતો. જેથી સાથી મિત્રોએ મદદ કરતા એક બાદ એક એમ કુલ ચાર મિત્રો નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેથી સ્થાનિક તરવૈયાઓએ એક યુવકને બચાવી લીધો હતો. જ્યારે ગઇકાલે એકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેયાર પાણીમાં લાપતા બનેલા અન્ય બે ના મૃતદેહો પણ આજે મળી આવ્યા હતા. ત્રણેય લોકોના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા છે. સેવાલીયા પોલીસે જાણ થતાં બનાવ સ્થળે દોડી આવી તમામના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
પોલીસે કિરીટ ચાવડા (રહે.સુખીની મુવાડી, ગળતેશ્વર)ની જાણના આધારે અપમૃત્યુની નોધ કરી છે. પોલીસ તપાસમાં ગતરોજ જેનો મૃતદેહ મળી આવેલો તેની ઓળખ થઈ નહોતી. જ્યારે લાપતા બનેલા અન્ય બે લોકોના મૃતદેહ આજે મળી આવતાં પોલીસે તેઓની ઓળખ કરતા મરણજનાર હિતેશભાઈ મહેશભાઈ ચાવડા ( રહે.ખોખરા, અમદાવાદ) અને અન્ય સુનિલ કુશવાહ (રહે.વટવા, અમદાવાદ) હોવાનું સામે આવ્યું છે. આ તમામ મૃતદેહોને પીએમ માટે સેવાલીયા સરકારી દવાખાને લવાયા છે.