કિચન કેનિંગ યોજના અંતર્ગત બહેનોને સ્ટાઈપેન્ડ સાથે તાલીમનું આયોજન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ

નાયબ બાગાયત નિયામકની કચેરી નડિયાદ દ્વારા સંતરામ ગર્લ્સ સ્કુલ, શાળા નં-૧૬, નડિયાદ ખાતે મહિલા સશક્તિકરણના હેતુ સાથે પાંચ દિવસીય ફળ અને શાકભાજી પરીરક્ષણની મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, કિચન કેનિંગ યોજના હેઠળ છ ગામ પાટીદાર સમાજ મહીલા મંડળની કુલ ૩૫ તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન રૂ. ૨૫૦ સ્ટાઈપેન્ડ સાથે વિવિધ વાનગીઓની બનાવટ શીખવવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં આ તાલીમાર્થી મહિલાઓએ તા. ૬ જૂન, પ્રથમ દિવસે જામ, ટૂટીફુટી, ગુલાબ શરબત અને કેળાની છાલની સેવ અને બીજા દિવસે તો. ૭, જૂન ના રોજ ટામેટાની ચટણી, ટામેટા કેચપ, અને કાચી કેરીની વિવિધ બનાવટો બનાવવામાં આવી હતી.
આ પ્રસંગે નડિયાદના તાલીમાર્થી બહેન નેન્સી કેયુર પટેલે જણાવ્યુ હતુ કે કિચન કેનીંગ યોજના અંતર્ગત મહિલા વૃતિકા કાર્યક્રમ તાલીમમાં જોડાઈને તેઓ અથાણા, જામ, ગુલાબ શરબત, કાચી કેરીની બરફી તથા ફળ અને શાકભાજીની વિવિધ વાનગીઓ બનાવતા શીખ્યા છે. જેનાથી તેઓને ભવિષ્યમાં ગૃહ ઉદ્યોગના આયોજન માટે પ્રેરણા મળી છે. સાથે જ તેઓને તાલીમ દરમિયાન પાંચ દિવસ સુધી પ્રતિદિન રૂ.250 સ્ટાઈપેન્ડ પણ મળે છે. માટે તેમણે અન્ય મહિલાઓને પણ આ તાલીમમાં જોડાવા માટે અપીલ કરી હતી. વધુમાં, મહિલા વૃતિકા તાલીમથી મહિલા સશક્તિકરણ કરવાનો આશય જણાવતા બાગાયત અધિકારી રવિ પંચાલે જણાવ્યુ હતુ કે આ યોજનાનો હેતુ મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી વિવિધ વાનગી તેમજ અન્ય બનાવટો વગેરે શીખવીને તેમને ગૃહઉદ્યોગ ઉભો કરવાની પ્રેરણા આપવાનો છે. આ કાર્યક્રમમાં બાગાયત અધિકારી રવિભાઈ પંચાલ, બાગાયત મદદનીશ મહેશ ચૌહાણ, ફિલ્ડ કનસલ્ટંટ પ્રિયંકાબેન વાઘેલા, તેમજ છ ગામ પાટીદાર સમાજ મહીલા મંડળ પ્રમુખઓ અને તાલીમાર્થી બહેનો હાજર રહ્યા હતા.
