કપડવંજ તાલુકામાં વાનરે ગામના ત્રણ વૃદ્ધોને બચકા ભરી ઇજાઓ પહોંચાડી

નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ તાલુકાના વ્યાસવાસણા ગામમાં વાનરે આતંક મચાવ્યો હતો અને આખા ગામને બાનમાં લીધું હતું. વાનરે ગામના ત્રણ વૃદ્ધોને પગના ભાગે બચકા ભરી ઇજાઓ પહોંચાડી હતી. જેને લઇને વન વિભાગને જાણ કરવામાં આવતાં ટીમે પહોંચીને વાનરને પાંજરે પૂર્યો હતો.
કપડવંજ તાલુકાના વ્યાસ વાસણા ગામમાં એક વાનરે ગામના જુદા જુદા વિસ્તારોમાં  ત્રણ વૃદ્ધોને પગના ભાગે બચકા ભર્યા હતાં. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગામમાં રહેતાં આનંદીબેન રમેશભાઈ પટેલને 12 ટાંકા, ભીખાભાઈ નાથાભાઈ જોશીને 7 ટાંકા અને લાલીબેન શંકરભાઈ રાઠોડને પગના ભાગે બચકાં ભર્યા હતા. વાનર દ્વારા હુમલાની વાત ગામમાં વાયુવેગે પ્રસરતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા. ગામમાં વાનરે આતંક મચાવવાની વાત ગ્રામજનોએ ગામના સરપંચને કરી હતી. જેને પગલે સરપંચ કેતનભાઇ પટેલ દ્વારા કપડવંજ વન વિભાગને જાણ કરવામાં આવતાં વન વિભાગની ટીમ દ્વારા તુરંત જ વાનરને પડકવા માટે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ગણતરીના કલાકોમાં વાનર પાંજરામાં પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: