જિલ્લા વહીવટી તંત્ર અને ભારતીય પત્રકાર સંઘ, દાહોદના સંયુક્ત ઉપક્રમે ડોકટરોના સન્માનનો કાર્યક્રમ યોજાયો
નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે કોરોના સામે જંગ લડી રહેલા ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું
જિલ્લામાં કોરોના ફ્રન્ટલાઇન વોરીયર્સ ડોક્ટરોની કામગીરી પ્રશંસનીય : કલેક્ટર વિજય ખરાડી
દાહોદ, તા. ૦૧
આજ રોજ નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર અને ભારતીય પત્રકાર સંઘ, દાહોદના સયુકત ઉપક્રમે જિલ્લામાં કોરોના મહામારી સામે લડી રહેલા ડોકટરોના સન્માનનો કાર્યક્રમ ઝાયડસ હોસ્પીટલ ખાતેના સભાગૃહમાં યોજાયો હતો. જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશસ્તિપત્ર આપીને તેમની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, જિલ્લાના ડોક્ટરોએ કોરોના મહામારીના સમયમાં ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે. ફીલ્ડમાં સતત પીપીઇ કીટ પહેરીને પોતાની જીવનને પણ દાવ પર લગાવીને અવિરત સેવા કરતા ડોક્ટર્સની કામગીરીને કારણે દાહોદમાં કોરોના સંક્રમિત દર્દીઓના સાજા થવાનું પ્રમાણ ખૂબ સારૂ છે. જિલ્લામાં શરૂઆતમાં બીજો જ કોરોનાનો કેસ મેડીકલ સ્ટાફનો હતો. આથી તબીબો અને મેડીકલ સ્ટાફ પણ સુરક્ષિત રહે તે માટે ખૂબ સાવચેતી રાખવામાં આવી છે અને આ માટે સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે, દાહોદમાં પત્રકારો-મીડિયા તરફથી પણ તંત્રને ખૂબ જ સહકાર આપવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના સમયે સમાજના હિતને ધ્યાનમાં રાખીને મીડિયાએ તેમની ભૂમીકા બખૂબી નિભાવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ લેવામાં આવેલા સાવચેતીના પગલાઓ, સર્વેલન્સની કામગીરી, કોન્ટ્રાકન્ટ ટ્રેસીગ સહિતની કામગીરીઓથી જિલ્લામાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે.
ભારતીય પત્રકાર સંઘ, દાહોદના પ્રમુખ હિમાંશુ નાગરે પણ દાહોદ જિલ્લામાં ડોક્ટરોની કામગીરીની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે, સૌ પત્રકારોએ ફક્ત સમાચારોની કામગીરી સુધી જ સીમિત ન રહેતા ડોક્ટરોની કામગીરીને બિરદાવાને પણ પોતાની નૈતિક ફરજ ગણીને આ કાર્યક્રમ યોજયો છે.
ઝાયડસ હોસ્પીટલના ડોક્ટર મોહિત દેસાઇએ આ પ્રસંગે જણાવ્યું કે, કોરોના સામેની જંગમાં અમે હંમેશા આગળ રહીશું અને પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠાથી બજાવીશું.
કાર્યક્રમનું સંચાલન પીઢ પત્રકાર શેતલભાઇ કોઠારીએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.ડી. પહાડીયા, ઝાયડસ હોસ્પીટલના સીઇઓ ડો. સંજયકુમાર, મેનેજર શ્રી પ્રકાશભાઇ પટેલ, સુપ્રિટેન્ડેન્ટ શ્રી હઠીલા, સહિત કોરોના વોરીર્યસ તરીકે ફરજ બજાવતા ડોક્ટર્સ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લાના ડોક્ટરો જેમને પ્રશંસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું તેમના નામ આ પ્રમાણે છે. ડો. મોહિત દેસાઇ, ડો. રાજીવ ડામોર, ડો. ઘ્રુવીબેન પંચાલ, ડો. પ્રણવ જીવન, ડો. પારૂલ પટેલ, ડો. ઉષાબેન, ડો. કમલેશ નિનામા, ડો. હાર્દિક લવાણા, ડો. જીતેન્દ્રભાઇ, ડો. ભરતભાઇ શુક્લ, ડો. પ્રજ્ઞેશભાઇ, ડો. આર.ડી. પહાડીયા, ડો. દિલીપ, ડો. અજય પાસવાન, ડો. આર.આર. પટેલ, ડો. રાકેશ, ડો. ભગીરથ બામણીયા, ડો. અનિલભાઇ ડામોર, ડો. સંધ્યાબેન, ડો. ઇકબાલ પઠાણ, ડો. જ્યંત પંડયા અને કોરોના સંક્રમણમાંથી મુક્ત થનારા ડો. ચૈતાલી મુનિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
#Sindhuuday Dahod