પ્રેમ લગ્ન કર્યા બાદ પતિ તેડવા ન આવતા યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ શહેરના યુવક-યુવતીએ સ્વેચ્છાએ અમદાવાદ કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા અને એ ૬ માસ સુધી પતિ પોતાની પત્નીને સાસરીમા તેડી જવા માટે ખોટા વાયદાઓ કરતા આખરે પત્ની જાતે સાસરે ગઇ હતી. તો પતિની પહેલી પત્ની, સાસુ, પતિ અને મામા સસરાએ યુવતીને ઘરમાં પેસવા દીધી નહી અને ઘરમાંથી હાંકી કાઢી મૂકી હતી. યુવતીને લાગી આવતા પોતાના માવતરના ઘરે પહોંચી ઉંદર મારવાની દવા પીલીધી હતી.
આ બનાવ મામલે પીડીતાએ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નડિયાદ શહેરમાં રહેતી યુવતીએ પોતાના સમાજના યુવાન સાથે અમદાવાદ ખાતેની કોર્ટમાં ગત ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. બંનેએ સ્વેચ્છાએ અને રાજીખુશીથી આ પ્રેમલગ્ન કર્યા હતા. પતિ પોતાની પત્નીને સાસરે તેડી જતો નહોતો અને તેણીને ખોટા વાયદાઓ કર્યા કરતો હતો. આખરે પ્રેમલગ્ન કરેલ યુવતીની ધીરજ ખૂટતા ગયા રવિવારે તેણીએ પોતાની સાસરીમાં ધામા નાખ્યા હતા. તો પહેલાથી જ ત્યાં હાજર પતિની પ્રથમ પત્ની અને સાસુએ આ યુવતીને ઘરમાં ધક્કે ચઢાવી હતી અને ઘરમાંથી કાઢી મૂકી હતી.
સાસુ અને પ્રથમ પત્નીએ ગમેતેમ બોલી મહેણાંટોણાં માર્યા હતા અને કહેલ કે ‘આ તારુ ઘર નથી, જેથી તારે અહીંયા આવવું નહીં’ તેમ કહી સાસરીમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ પ્રેમલગ્ન કરેલ યુવતી પોતાના માવતરના ઘરે આવી ગઈ હતી. બે-ત્રણ દિવસ વિત્યા બાદ યુવતી ફરી વાર સાસરે પહોંચી હતી. તો ત્યાં હાજર સાસુએ કોઈ વાત સાંભળી નહીં અને ધક્કા મારવા લાગ્યા હતા. તે વખતે સાસરી પક્ષના સભ્યો પતિની પ્રથમ પત્ની, પતિ, સાસુ અને મામા સસરા તમામ સાસુનુ ઉપરાણું લઈ તેણીને સાસરીમાંથી કાઢી મૂકી હતી. સતત બે વખત યુવતીને નિષ્ફળતા મળતા તેણીએ પોતાના ઘરે હાજર હતી ત્યારે લાગી આવતા બપોરના સમયે ઉંદર મારવાની દવા ખાઈ લીધા હતા. જેથી તેણીની તબિયત બગડતાં તુરત યુવતીને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમયસર સારવાર મળી જતા યુવતીનો જીવ બચી ગયો છે અને આ સમગ્ર બનાવ મામલે તેણીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે પોતાના પતિ, પતિની પ્રથમ પત્ની, સાસુ અને મામા સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.