લીમખેડાના પાણીયા ગામે ઈન્દૌર અમદાવાદ હાઈવે રોડ પર ટ્રકે પેસેન્જર ભરેલ છકડાને અડફેટમાં લેતાં એકનું મોત : ચારને ઈજાઓ પહોંચી
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના લીમખેડાના પાણીયા ગામે ઇન્દોરથી અમદાવાદ જતા રોડ પર રામનો રોટલો હોટલ નજીક પૂરપાટ દોડી આવતા ટ્રકે આગળ જતાં પેસેન્જર ભરેલા છકડાને પાછળથી જાેશભેર ટક્કર મારતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છકડામાં બેઠેલા ૫૫ વર્ષીય વૃદ્ધનું સ્થળ પર જ મોત નીપજ્યાનું તેમજ છકડાના ચાલક સહિત ચારને ઈજાઓ થયાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગતરોજ સાંજના છ વાગ્યાના સુમારે એક ટ્રક ચાલક તેના કબજાની જીજે ૧૦ ટીવી૫૪૯૪ નંબરની ટ્રક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી ઇન્દોર થી અમદાવાદ જતા રોડ પર લીમખેડા તાલુકાના પાણીયા ગામે રામનો રોટલો હોટલ નજીક રોડ પર આગળ જતા જીજે ૨૦વી- ૨૩૦૬ નંબરના પેસેન્જર ભરેલા છકડાને પાછળથી જાેશભેર ટક્કર મારી પોતાના કબજાની ટ્રક સ્થળ પર જ મૂકી ચાલક નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છકડામાં બેઠેલા ડ્રાઇવર તથા ત્રણેક પેસેન્જરને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી જ્યારે છકડામાં બેઠેલા વડેલા ગામના વચલા ફળિયામાં રહેતા ૫૫ વર્ષીય રતનસિંહ શકરભાઈ પટેલને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ લીમખેડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા લીમખેડા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક લીમખેડા સરકારી દવાખાને ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ મરણજનાર રતનસિંગ શકર ભાઈ પટેલની લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે લાશને લીમખેડા સરકારી દવાખાને મોકલી આપી મરણ જનાર રતનસિંગ પટેલના દીકરા રમણભાઈ રતનસિંહ પટેલે નોંધાવેલ ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ ફેટલનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

