વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧ હજાર પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આગામી એક વર્ષ સુધી ૧ હજાર ટીબી દર્દીઓને મંદિર દ્વારા પોષણ કીટ નિયમિત આપવામાં આવશે.
આ અવસરે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કલેકટર અમિત પ્રકાશ યાદવે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ક્ષયના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું.
સાંસદ દેવુસિંહ ચૌહાણે વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવતા જનકલ્યાણના કાર્યોને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે સામાન્ય નાગરિકો, આગેવાનો, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સહિતના તમામના સહયોગથી જ વિકાસની આ કામગીરી કરવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે ખેડા જિલ્લામાં ૨.૫ હજાર થી વધુ દર્દીઓ સામે આજે ૧ હજાર જેટલા દર્દીઓને એક વર્ષ સુધી મંદિર દ્વારા પોષણ કીટની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે બાકી રહેલા દર્દીઓ માટે પણ વહીવટી તંત્ર દ્વારા પોષણ કિટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું સાંસદએ આશ્વાસન આપ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત વડતાલ ધામના મહારાજ રાકેશપ્રસાદજી મહારાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વી.એસ.ધ્રુવે, જિલ્લા ટીબી અધિકારી દિનેશ બારોટ, ટીબીના દર્દીઓ સહિત અન્ય સંતો મહંતો અને દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.