અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને વસો પોલીસે એક લાખની સહાય કરી
નરેશ ગનવાણી

પોલીસ પ્રજાની મિત્ર છે આ યુક્તિને ખેડા જિલ્લા પોલીસ ખરા અર્થમાં સાબિત કરી રહી છે. વસો પોલીસ સ્ટેશનની, જેમના દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને એક લાખની સહાય કરી પરિવારને સહાયરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વસો પોલીસ સ્ટેશન ની હદમાં ગત તારીખ ૧૬ જાન્યુઆરીના રોજ બાઈક અને ટેમ્પા વચ્ચે અકસ્માત થયો હતો જેમાં સિહોલડી ગામના અરવિંદ ચુનારા નામના યુવકનું મૃત્યુ થયું હતું. અરવિંદના મૃત્યુથી તેની પત્ની અને ત્રણ બાળકો નિરાધાર બન્યા હતા. જેઓનું જીવન હવે કેવી રીતે પસાર થશે તે પણ એક પ્રશ્ન હતો. સમગ્ર ઘટના અંગે વસો પોલીસને જાણ થતા પોલીસે આ પરિવારને આર્થિક સહાય કરી છે. ઘટના અંગે પીએસઆઈ એચ. એન.આજરા એ જણાવ્યું હતું કે મૃતક અરવિંદના પિતા બુધાભાઈ પણ જ્યારે અરવિંદ બે વર્ષનો હતો ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. અને ત્યારબાદ અરવિંદ નું જીવન ખૂબ જ મુશ્કેલીઓ ભરેલું રહ્યું હતું. અરવિંદ પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે ત્યારે તેના ત્રણ બાળકો અને પત્નીને પણ એજ મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે તે માટે પોલીસે નાનકડી મદદ કરી છે.

