દાહોદ જિલ્લામાંથી બે સગીરાઓના લગ્નની લાલચે અપહરણ કરી જતાં બે યુવકો
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં બે અલગ અલગ સ્થળોએથી બે સગીરાઓને લગ્નની લાલચ આપી બે યુવકો અપહરણ કરી લઈ નાસી જતાં જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆના સીંગેડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૬ જાન્યુઆરીના રોજ દેવગઢ બારીઆના બામરોલી મુવાડા ગામે રહેતો નરેશભાઈ મકનાભાઈ બારીયાએ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ સગીરાને પટાવી, ફોસલાવી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરા અપહરણનો બીજાે બનાવ દેવગઢ બારીઆના રેબારી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૭મી જાન્યુઆરીના રોજ દેવગઢ બારીઆના અસાયડી ગામે રહેતો શૈલેષભાઈ નરવતભાઈ પટેલે દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, સગીરાને પટાવી, ફોસલાવી પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

