ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામે એક વૃધ્ધ મહિલા પર દિપડાના હુમલાને પગલે ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણી દિપડાનો આતંક વધવા માંડ્યો છે ત્યારે ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામે એક વૃદ્ધ મહીલા પર દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજાગ્રસ્ત ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટુંકીવજુ અને નળવાઈ ગામે ગતરોજ દિપડાએ ત્રણ પશુઓનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહૌલ જાેવા મળી રહ્યો છે ત્યારે આજરોજ ગરબાડાના નઢેલાવ ગામના બહારના કુવા ફળીયાંમાં રહેતાં રતુબેન તેરાભાઈ ભાભોર જે બપોરના ૧૨ ખેતર નજીક આવેલ કુવામાં પાણી ભરવા ગયા હતા. ત્યારે જંગલ વિસ્તાર છોડી રહેણાકં વિસ્તારમાં આવી ગયેલ દીપડાએ રતુંબેન તેરાભાઈ ભાભોર પર અચાનક હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. દીપડાના હુમલાથી રતુંબેનએ બુમાબુમ કરતા ગ્રામજનો તેમજ પરિવારજનો સ્થળ પર દોડી આવી દીપડાને સ્થળ પરથી ભગાવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ મહિલાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ગરબાડા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર થતા હુમલાથી ગ્રામજનોમાં ભય ઊભો થયો છે. માટે આ દિપડાના હુમલાને પગલે કોઈનો જીવ જાેખમમાં મુકાય તે પહેલા સ્થાનીક વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાને પાંજરે પુરવા માટે પાંજરાઓ મુકવામાં આવે તેવી લાગણી અને માંગણી ગ્રામજનોમાં ઉઠવા પામી છે.

