ગરબાડાના જેસાવાડામાં પોલીસે બાળ લગ્ન અટકાવ્યાં બાદ સગીરાને સખીવન સ્ટોપ ખાતે મોકલવાની તૈયારીઓ દરમિયાન સગીરાએ પોલીસ મથકના ધાબા પરથી કુદકો માર્યો
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લાના ગરબાડા જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચકચાર મચાવી મુકે તેવો બનાવ સામે આવ્યો છે જેમાં પ્રથમ તો બાળ લગ્નનો મામલો સામે આવ્યો છે. અને જેમાં એક ૧૬ વર્ષિય સગીરાના લગ્ન ૧૮ વર્ષના યુવક સાથે કરાવી દેતાં આ મામલે પોલીસે સગીરા અને યુવકના માતા-પિતા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. દરમિયાન બનાવમાં નવો નળાંક તો ત્યારે સામે આવ્યો જ્યારે સગીરાને તેના પતિ સાથે રહેવું ન હોઈ તેમજ તેના વાલી વારસ સાથે જવુ ન હોય જેથી પોલીસે સગીરાને પોલીસ મથકે લાવી સખીવન સ્ટોપ દાહોદ ખાતે મુકવા જવાનો ર્નિણય કરતાં સગીરાને આ મામલે મનમાં લાગી આવતાં સગીરેએ પોલીસ સ્ટેશનના પ્રમથ માળેથી નીચે કુદકો મારતાં સગીરાને બંન્ને પગે ઈજાઓ થવા પામી હોવાનું પણ જાણવા મળે છે.
ગરબાડાની જેસાવાડા પોલીસને માહિતી મળી હતી કે, ગરબાડા તાલુકાના એક ગામમાં ૧૬ વર્ષિય સગીરાના બાળ લગ્ન કરાવવામાં આવતાં હોવાની આ માહિતીને આધારે પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી જેમાં સગીરાના માતા પિતાએ દ્વારા ગરબાડાના નઢેલાવ ગામે પટેલ ફળિયામાં રહેતાં બચુભાઈ મનુભાઈ હઠીલાના પુત્ર સાથે સમાજના રિતીરિવાજ મુજબ બાળ લગ્ન કરાવ્યાં હતાં. આ અંગેની જાણ થતાં પોલીસે ૧૬ વર્ષીય સગીરા અને ૧૮ વર્ષના યુવક તેમજ તેમના માતા-પિતાની પુછપરછ હાથ ધરતાં બાળ લગ્ન કરાવ્યાં હોવાનું પોલીસને માલુમ પડતાં આ સંબંધે પોલીસે ઉપરોક્ત સગીરાના અને યુવકના માતા પિતા વિરૂધ્ધ બાળ લગ્ન અધિનિયમ મુજબની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી હતી ત્યારે પોલીસ તપાસમાં સગીરાની પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, સગીરાને પોતાના પતિ સાથે કે તેના વાલીવારસ સાથે જવું ન હતું જેથી જેસાવાડા પોલીસે સખીવન સ્ટોપ દાહોદ ખાતે સગીરાને મુકવાનો ર્નિણય કર્યો હતો. અને સગીરાને સખીવન સ્ટોપ દાહોદ ખાતે મુકવા પણ જવાના હતાં ત્યારે આ બાબતે સગીરાને મનમાં લાગી આવતાં સગીરા જેસાવાડા પોલીસ મથકના પહેલા માળે પહોંચી ગઈ હતી અને ત્યાંથી નીચે કુદકો માર્યો હતો. આ ઘટનાને પગલે જેસાવાડા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ અને પરિવારજનો પોલીસ મથકની બહાર દોડી આવ્યાં હતાં. સગીરાએ પોલીસ મથકના પહેલા માળેથી કુદકો મારતાં સગીરાને બંન્ને પગલે ઈજાઓ પહોંચી હતી. સગીરાને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવી હતી. એક તરફ બાળ લગ્ન અને ત્યાર બાદ સગીરાનો આપઘાતના પ્રયાસના આ બનાવને પગલે ગ્રામજનોમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી.