ગરબાડાની જેસાવાડા પોલીસે લુંટ, ધાડના ગુન્હામાં ૬ વર્ષથી નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડ્યો
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની જેસાવાડા પોલીસે દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશન વિસ્તારના લુંટ તથા ધાડના ગુન્હામાં છેલ્લા ૬ માસથી નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડી જેસના સળીયા પાછળ ધકેલી દીધો હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓને પકડી પાડવા, પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગરબાડાની જેસાવાડા પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુંટ તથા ધાડના ગુન્હામાં છેલ્લા ૬ માસથી નાસતો ફરતો આરોપી મહેશભાઈ લાલાભાઈ બારીયા (રહે.ઝાબુ, ચિતવા ફળિયું, તા.ધાનપુર, જિ.દાહોદ) નાને જેસાવાડા બજારમાંથી જેસાવાડા પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ.પી. પરમાર તથા તેમની ટીમે ઝડપી પાડ્યો હતો. આ સંબંધે જેસાવાડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.