વિશ્વ પર્યાવરણ દિવસે નડિયાદના હિતેશભાઇ બ્રહ્મભટ્ટને મળ્યો ‘શ્રી મુક્તજીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ’
નરેશ ગનવાણી નડિયાદ

વિશ્વ પર્યાવરણ દિવસની અનુકૂળતાે “ગ્રીન પ્લાનેટ સંસ્થા” અને “શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – મણીનગર” દ્વારા કલોલના ફોરેસ્ટ પાર્ક ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યભરના પર્યાવરણ જાગૃતિ અને જતન માટે અગ્રણી ભૂમિકા નિભાવનાર શિક્ષકોને “શ્રી મુક્તજીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ”થી નવાજવામાં આવ્યા.
આ પ્રસંગે રાજ્યના કુલ ૩૩ જિલ્લામાંથી પસંદ કરાયેલ ૩૩ શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, તેમજ પાંચ શ્રેષ્ઠ શિક્ષકોને વિશિષ્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ તમામમાં રાજ્યના શ્રેષ્ઠ પર્યાવરણ મિત્ર તરીકે નડિયાદની વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું. હિતેશભાઈ છેલ્લા ૩૦ વર્ષથી પર્યાવરણ જતન, જાગૃતિ અને સંવર્ધન માટે સતત કાર્યરત છે. ગાંધીવાદી વિચારો ધરાવતાં હિતેશભાઇએ કોઇપણ સરકારી સહાય કે પરિપત્ર વગર આત્મપ્રેરણાથી અનેક નવતર અને જનહિતકારી પ્રવૃત્તિઓ હાથ ધરી છે. પોતાની ખિસ્સે ખર્ચ કરીને તેમણે વૃક્ષારોપણ, બીજ બોલ વિતરણ, તુલસી અને પીપળાના છોડ વિતરણ, જનજાગૃતિ માટે ભીંતચિત્રો, જળ જતન માટે પત્રિકા વિતરણ, ચકલીના માળા, ઇકો ફ્રેન્ડલી ગણેશ વિસર્જન, હર્બલ હોળી કલર વિતરણ જેવી અનેક પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ અમલમાં મૂકી છે.
પુસ્તિકાઓ જનતામાં વિતરણ કર્યું છે.
વિશેષ ઉલ્લેખનીય છે કે, તેમનો પર્યાવરણ જાગૃતિ પૂતળી ખેલ “વૃક્ષ વિધાતા – જીવન દાતા” છેલ્લા ૨૦ વર્ષથી રાજ્યભરમાં વિનામૂલ્યે રજૂ થાય છે. અત્યારસુધીમાં તેમણે કુલ ૧૪૮૬ કાર્યક્રમો દ્વારા આશરે ૫.૭૩ લાખથી વધુ દર્શકો સુધી પર્યાવરણ સંદેશ પહોંચાડ્યો છે. હિતેશભાઈએ એવોર્ડની રકમ પણ પર્યાવરણના જતન માટે વાપરવાની ખાતરી આપી છે. આ અવસરે તેઓએ જણાવ્યું હતું કે, “પ્રકૃતિ આપણી માતા છે, તેની રક્ષા કરવી આપણા દરેકની નૈતિક ફરજ છે.
