શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠમાં ગુરુકુળ થીમ પર ભવ્ય શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ: શ્રી સંતરામ સમાધી સ્થાન અને શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ, નડિયાદ ખાતે આજ રોજ નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના આરંભ નિમિત્તે શાળા પ્રવેશ ઉત્સવ ગુરુકુળ થીમ પર હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો.
પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજની આજ્ઞા અને સંત સત્યદાસજી મહારાજની સીધી દેખરેખ હેઠળ યોજાયેલા આ ઉત્સવમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સંવર્ધન થાય તે હેતુસર શાળા પ્રવેશદ્વારને ગુરુકુળના માહોલમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો. પ્રવેશ સમયે વિદ્યાર્થીઓનું શિક્ષકો દ્વારા વેદમંત્રોચ્ચાર અને તિલક સાથે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દિવ્ય પ્રસંગે બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ છલકાતો જોવા મળ્યો હતો. શાળા પ્રવેશના પ્રથમ દિવસે પ્રેમપૂર્વક મળેલા આ સ્નેહસંસ્કારોએ બાળકોના હૃદયમાં અધ્યાત્મ અને નૈતિક મૂલ્યો પ્રત્યે અનુરાગનું બીજ રોપ્યું.
શાળા મેનેજમેન્ટ તથા સ્ટાફનો ઉત્સાહપૂર્ણ સહયોગ સમગ્ર કાર્યક્રમની સફળતા પાછળ મહત્ત્વપૂર્ણ રહ્યો.
ઉપસ્થિત તમામ બાળકોને નવા શૈક્ષણિક વર્ષ માટે શુભકામનાઓ પાઠવી શુભ આરંભ કરાવવામાં આવ્યો અને શાળા પ્રવેશ ઉત્સવને એક યાદગાર ક્ષણ બનાવવામાં આવી.

