લીમખેડાના પ્રતાપપુરા ગામે એક મકાનની અંદર રમાતા જુગારના અડ્ડા પર દાહોદ એલસીબી પોલીસે ઓચિંતી રેડ પાડી આઠ જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપીયા તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂા.૫૦,૭૭૦નો મુદ્દામાલ કબજે કર્યાે

દાહોદ તા.૩૦

લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે હોળી ફળિયામાં એક બંધ મકાનની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં જાહેરમાં ધમધમતા જુગાર ધામ પર દાહોદ એલસીબી પોલીસે ઓચિંતો છાપો મારી પત્તા-પાના વડે હારજીત નો જુગાર રમી રહેલા જુદા જુદા ગામના આઠ જેટલા જુગારીયાઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી તેમજ દાવ પરથી મળેલ રોકડ તેમજ પાંચ જેટલા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૫૦,૭૭૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લીધાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ એલસીબી પોલીસ ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે લીમખેડા પોલિસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન લીમખેડાના પ્રતાપપુરા ગામે હોળી ફળિયામાં એક બંધ મકાનની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે કેટલાક જુગારીયાઓ હારજીતનો જુગાર રમતા હોવાની ગુપ્ત બાતમી તેઓને મળતા દાહોદ એલસીબી પોલીસે બાતમી વાળી જગ્યાને સૌપ્રથમ ચારે બાજુથી કોર્ડન કરી ઓચિંતો છાપો મારી નાસવાની કોઈપણ જાતની તક આપ્યા વિના પત્તા-પાનાં વડે હારજીતનો જુગાર રમી રહેલા લીમખેડાના બાંડીબાર ગામે તળાવ ફળિયામાં રહેતા મિથુનભાઈ મોતીભાઈ લબાના, લીમખેડાના મોટી વાવ ગામના કાળિયા ફળિયામાં રહેતા જયેન્દ્ર હિંમતસિંહ ચૌહાણ, પિપલોદ ક્રિષ્ના સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ દિલીપભાઈ દરજી, પીપલોદ ગામના ગોપાલભાઈ બાબુભાઈ બારીયા, જાવેદભાઈ યુસુફભાઈ મન્સૂરી, આરીફભાઈ કાદરભાઈ મન્સુરી(પીંજારા), દેવગઢબારિયા તાલુકાના પંચેલા ગામના ભરવાડ ફળિયામાં રહેતા વિશાલભાઈ બાબુભાઈ ભરવાડ તથા પીપલોદ ગામે રહેતા ઈરફાન ભાઈ મોહમ્મદભાઈ મન્સુરીને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને તેઓની અંગઝડતી લઈ રૂપિયા ૧૫,૯૨૦/-ની કિંમતની જુદા જુદા દરની ચલણી નોટો નંગ-૧૦૬, દાવ ઉપરથી રૂપિયા ૯,૮૫૦/-ની કિંમતની જુદા જુદા દરની ચલણી નોટો નંગ-૫૪ તથા રૂપિયા ૨૫,૦૦૦/- ની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ-૫ મળી કુલ રૂપિયા ૫૦,૭૭૦/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ લીમખેડા પોલીસને સુપરત કરી આ સંબંધે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે આ મામલે જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!