સી. બી. પટેલ આર્ટસ કોલેજ નડિયાદ ખાતે વિશ્વ વસ્તી દિન નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન
નરેશ ગનવાણી નડિયાદ
ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આજે, ૧૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ, વિશ્વ વસ્તી દિનની ઉજવણી નિમિત્તે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડો. મહેન્દ્રકુમાર દવે ના માર્ગદર્શનથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વસ્તી વધારાની સમસ્યાઓ અને વૈશ્વિક વસ્તી સંબંધિત મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો હતો.
આ સ્પર્ધામાં MOU અંતર્ગત વસો કોલેજ અને મહુધા કોલેજના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેણે કાર્યક્રમને વધુ વ્યાપક બનાવ્યો હતો. ભારત વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે સ્થાન ધરાવે છે ત્યારે, યુવા પેઢી આ ગંભીર મુદ્દા પ્રત્યે સભાન બને તે અત્યંત આવશ્યક છે. આ જ ઉદ્દેશ્યથી આ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડો. ભારતી એમ. પટેલ અને ડો. પરવીન મનસૂરીએ સ્પર્ધક વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લઈને પોતાની સૂઝબૂઝ અને લેખન કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.

