નડિયાદમાં સહકાર મંત્રાલયના ડિરેક્ટરની મુલાકાત: ખેડા બેંકની ડિજિટલ સેવાઓથી પ્રભાવિત
નરેશ ગનવાણી નડિયાદ

ભારત સરકારના સહકાર મંત્રાલયના ડિરેક્ટર સંજીવકુમારે ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, નડિયાદની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ‘સહકારથી સમૃદ્ધિ’ની વિચારધારા હેઠળ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર (C To C) વધારવાનો અને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫ની ઉજવણીનો ભાગ બનવાનો હતો.
આ પ્રસંગે, તેમણે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નડિયાદ તાલુકાની ડભાણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને માતર તાલુકાની નવાગામ સેવા સહકારી મંડળીની મુલાકાત લીધી. અહીં તેમણે PACS કમ્પ્યુટરાઇઝેશન, માઇક્રો એટીએમ અને ‘બેંક સાથી’ જેવી પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી.
બેંકના સી.ઈ.ઓ. અરવિંદભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં, બેંક દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં CMS વાન દ્વારા દૂધ મંડળીઓને સીધા નાણાં પહોંચાડવા, માઈક્રો એટીએમ થકી સભાસદોને પેમેન્ટ, અને પશુપાલન માટે KCC ધિરાણ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
ડિરેક્ટર સંજીવકુમાર બેંકના કાર્યકારી ચેરમેન તેજસકુમાર બી. પટેલ દ્વારા શરૂ કરાયેલી ડિજિટલ બેંકિંગ સેવાઓ જેવી કે પેપરલેસ બેંકિંગ, ટેબ્લેટ બેંકિંગ, વોટ્સએપ બેંકિંગ અને ગ્રાહકોને ઝડપી લોન માટેની લોન મેનેજમેન્ટ સિસ્ટમ (LMS)થી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ખેડા બેંકને આધુનિક અને ડિજિટલ બનાવવા બદલ ચેરમેન તેજસકુમાર પટેલ અને સંચાલક મંડળને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં જી.એસ.સી. બેંકના અધિકારીઓ, ખેડા બેંકના અધિકારીઓ, તેમજ ડભાણ અને નવાગામ મંડળીઓના સભાસદો, ચેરમેન અને સેક્રેટરીઓ ઉપસ્થિત રહ્યા હતા.


https://shorturl.fm/wos4t