વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણનો ૫૨૪૬મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો

નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે જન્માષ્ટમીના શુભ પર્વે ભગવાન શ્રી કૃષ્ણનો ૫૨૪૬મો પ્રાગટ્યોત્સવ (જન્મોત્સવ) ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને પૂ. મોટાલાલજી સૌરભપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.
વડતાલ મંદિરના સંતો-પાર્ષદો અને હરિભક્તોની હાજરીમાં “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી”ના ગગનભેદી નારા અને રિમઝિમ વરસાદ સાથે આખો માહોલ ભક્તિમય બની ગયો હતો. આ પ્રસંગે હરિકૃષ્ણદાસજી સ્વામીએ સુમધુર શૈલીમાં શ્રી કૃષ્ણ પરમાત્માના અવતરણની કથાનું રસપાન કરાવ્યું હતું, જ્યારે વડતાલ મંદિરના પાર્ષદોએ દુહા-છંદ સાથે ધૂનની રમઝટ બોલાવી હતી.
જન્મોત્સવના આ પાવન પ્રસંગે ચરોતર, કાનમ સહિત મુંબઈ, સુરત, વડોદરા, ઈન્દોર અને કુંડળ જેવા અનેક ગામોના હરિભક્તો એક દિવસીય સામૈયાનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં પૂ. ચેરમેન ડો. સંતવલ્લભસદાજી સ્વામી, સૂર્યપ્રકાશશાસ્ત્રી, સત્યપ્રકાશશાસ્ત્રી,  વલ્લભસ્વામી સહિત અન્ય સંતો-પાર્ષદો પણ હાજર રહ્યા હતા.
રાત્રે ૧૧:૪૫ કલાકે પૂ. લાલજી મહારાજે શ્રી ઠાકોરજીનું પૂજન કર્યું. ત્યારબાદ ગોપાલલાલજીને સોનાના ફૂલોથી શણગારેલા પારણામાં ઝુલાવી જન્મોત્સવની આરતી ઉતારવામાં આવી. આ સમયે ચેરમેન ડો. સંતસ્વામી અને સૂર્યપ્રકાશશાસ્ત્રીએ શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણાં કરી પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું.
આરતી પછી મંદિરના પટાંગણમાં યુવાન મંડળીઓ દ્વારા મટકીફોડનો કાર્યક્રમ યોજાયો હતો. આખરે, દરેક હરિભક્તે પંચાજીરીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!