ખેડા જિલ્લામાં ‘જનરક્ષક’ વાન સેવા શરૂ: તમામ કટોકટી સેવાઓ માટે હવે એક જ નંબર, 112
નરેશ ગનવાણી નડિયાદ

ગુજરાત સરકારની નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સહાય પૂરી પાડવાની પહેલ અંતર્ગત ખેડા જિલ્લામાં ‘જનરક્ષક’ વાન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાનો મુખ્ય હેતુ કટોકટીના સમયે નાગરિકોને ઝડપી અને અસરકારક મદદ પહોંચાડવાનો છે. આ સેવા અંતર્ગત જિલ્લામાં કુલ ૨૨ ‘જનરક્ષક’ વાન કાર્યરત કરવામાં આવી છે, જે નડિયાદ જિલ્લા પોલીસ વડાની કચેરીના કન્ટ્રોલ રૂમ પરથી સતત દેખરેખ હેઠળ રહેશે. આ નવી સેવા સાથે, નાગરિકોને હવે અલગ-અલગ કટોકટી નંબરો યાદ રાખવાની જરૂર રહેશે નહીં. તમામ સેવાઓ માટે હવે માત્ર એક જ નંબર, ૧૧૨, ડાયલ કરવાનો રહેશે. આ ‘એક નંબર, અનેક સહાય’ની વિભાવના પર આધારિત ઇમરજન્સી સેવાઓ નાગરિકો માટે સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરશે. ખેડા જિલ્લામાં મંગળવારથી આ સેવા પ્રજા માટે ઉપલબ્ધ બની છે. આ શુભ અવસરે, નડિયાદ એસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓની હાજરીમાં ૨૨ જનરક્ષક વાનને લીલી ઝંડી આપીને પ્રજાસેવામાં સમર્પિત કરવામાં આવી હતી.
https://shorturl.fm/4r8lL