નવરંગ નવરાત્રી બીટ્સ નડિયાદમાં વિના મૂલ્યે ગરબાનું આયોજન
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના આંગણે આ વર્ષે પણ માઈભક્તિ અને સંસ્કૃતિને ઉજાગર કરતા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના બાસુદીવાલા મેદાનમાં ‘નવરંગ નવરાત્રી બીટ્સ – ૨૦૨૫’ ના ઉપક્રમે પરંપરાગત અને સંસ્કૃતિપ્રધાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રસ્ટ છેલ્લાં ૧૩ વર્ષથી એટલે કે વર્ષ ૨૦૧૨ થી આ ગરબા મહોત્સવનું આયોજન હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક કરી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગરબાની પરંપરાને જાળવી રાખવાનો અને યુવા પેઢીમાં સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરવાનો છે. ધ્વજારોહણ સાથે થયો આ ભવ્ય ગરબા મહોત્સવનો શુભારંભ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા ધ્વજારોહણ કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બ્રાહ્મણ દ્વારા વિધિવિધાન મુજબ મંત્રોચ્ચાર સાથે ધ્વજદંડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. પંકજ દેસાઈએ જણાવ્યું કે નડિયાદમાં સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ અને ‘માં શક્તિ’ ગ્રુપ દ્વારા ત્રણ સ્થળોએ માઈભક્તિના ભાવ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં બાળકો અને બાળાઓ માટે પણ વિશેષ સમય ફાળવવામાં આવ્યો છે.
પરંપરા અને સુવિધાનો સમન્વય
આ ગરબામાં ખેલૈયાઓ માટે માત્ર ટ્રેડિશનલ ડ્રેસ જ આગ્રહ રાખવામાં આવ્યો છે, જેથી ગરબાની પરંપરાગત ઓળખ જળવાઈ રહે. ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે પૂરતી સુવિધાનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આયોજકો પૈકીના અગ્રણી વિકાસ શાહએ જણાવ્યું કે ગ્રાઉન્ડ પર સીસીટીવી કેમેરાની સાથે સ્વચ્છતા અને આત્મનિર્ભર ભારતની થીમને પ્રોત્સાહન મળે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ગરબા મહોત્સવને સફળ બનાવવા માટે પંકજ દેસાઈ ઉપરાંત પરાગ દેસાઈ, દિવ્યેશ બ્રહ્મભટ્ટ, વિકાસ શાહ, હિરેન દેસાઈ, અને મનીષ પટેલ સહિતના અગ્રણીઓનો સહકાર મળી રહ્યો છે.
આ ગરબા મહોત્સવમાં ગાયિકા લોમા, રોશની અને અભિષેક ત્રિપાઠી સંગીતના સૂરો રેલાવી ગરબાની રમઝટ બોલાવશે.