જન્મ-મૃત્યુની નોંધણી માટે નવી વ્યવસ્થા: ગુજરાતમાં હવે ‘CRS પોર્ટલ’નો અમલ
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ: ગુજરાતમાં જન્મ અને મૃત્યુની નોંધણી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને ડિજિટલ બનાવવા માટે, રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્યાર સુધી ઉપયોગમાં લેવાતી ‘E-Olakh’ એપ્લિકેશનના બદલે, હવે કેન્દ્ર સરકારના ‘Civil Registration System (CRS) Portal’ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાનો અમલ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી બપોરે ૧૨ વાગ્યાથી થઈ ગયો છે. આ પરિવર્તનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો મેળવવામાં સરળતા અને પારદર્શિતા લાવવાનો છે. આ નવી સિસ્ટમ હેઠળ, નાગરિકો તેમના પ્રમાણપત્રો ઓનલાઇન પણ મેળવી શકશે. નવી સિસ્ટમના સફળ અમલ માટે રાજ્યના તાલુકા અને જિલ્લા સ્તરે કાર્યરત તમામ આરોગ્ય અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી છે. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા પણ સંબંધિત કર્મચારીઓને આ નવી પ્રણાલી અંગે વિશેષ તાલીમ અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ હવે જન્મ અને મૃત્યુની નોંધણી માટે ફક્ત CRS પોર્ટલનો જ ઉપયોગ કરે. આનાથી નોંધણી પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સુવિધાજનક બનશે, અને નાગરિકોને ડિજિટલ સેવાઓનો લાભ મળશે.
ભવિષ્યમાં નોંધણી પ્રક્રિયા સંબંધિત વધુ માર્ગદર્શિકાઓ નડિયાદ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ (MOH) દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવશે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે.