ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા: હાઈવે બંધ, સેંકડો લોકોનું સ્થળાંતર
નરેશ ગનવાણી, નડિયાદ

ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડવામાં આવતા, ખેડા જિલ્લામાં સાબરમતી નદી ફરી એકવાર ગાંડીતૂર બની છે. છેલ્લા ૧૪ દિવસમાં બીજી વાર નદીના પાણી ખેડાના નીચાણવાળા ગામોમાં ઘૂસી ગયા છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. રસિકપુરા, નાની કલોલી, અને પથાપુરા જેવા ગામોમાં છાતી સુધી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને મોટું નુકસાન થવાની આશંકા છે. ખેડા-ધોળકા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. આ કારણે અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે રવિવારે જ આશરે ૧૫૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેતીના પાકોને ભારે નુકસાન થવાનો અંદાજ છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ પાણીનું સ્તર ઊંચું હોવાથી કામગીરીમાં અવરોધો આવી રહ્યા છે.
