નડિયાદમાં મહાનગરપાલિકાએ ૩૦થી વધુ ગેરકાયદેસર દબાણો તોડ્યા
નરેશ ગનવાણી નડિયાદ

નવનિયુક્ત નડિયાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાંથી ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની મેગા કામગીરીનો શુક્રવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો.બેફામ બનેલા દબાણકર્તાઓમાં આ કાર્યવાહીને લઈને ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહાનગરપાલિકાની ટીમ જેસીબી મશીન સાથે શહેરના મુખ્ય માર્ગો પર પહોંચી હતી અને ગેરકાયદેસરના કાચા-પાકા બાંધકામોને ધ્વસ્ત કર્યા હતા. મુખ્યત્વે અમદાવાદી દરવાજા અને સોશિયલ ક્લબની આસપાસના રોડ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.
અહીં રોડની અડચણરૂપ ૩૦થી વધુ શેડ તેમજ ઓટલા બનાવીને કરાયેલા દબાણ તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા પોલ પણ હટાવી દેવાયા હતા. આ દબાણો દૂર થતાં વાહનવ્યવહાર માટેનો માર્ગ ખુલ્લો અને વિશાળ થયો હતો. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા બન્યા બાદ તંત્ર દ્વારા લાંબા સમયથી કાર્યવાહી ન થવાને કારણે દબાણકર્તાઓએ મનસ્વી રીતે રોડ સુધી દબાણ કરી દીધું હતું. તંત્રએ દબાણ તોડી પાડી હવે ફરીથી દબાણ ન કરવા માટે પણ સખત તાકિદ કરી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં પણ શહેરમાંથી અન્ય ગેરકાયદેસરના દબાણો પણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ રહેશે.
