કપડવંજ દરગાહની દાનપેટી ચોરીનો ભેદ ઉકેલાયો, ૪ આરોપી રૂ. ૭૫,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા
નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ ટાઉન વિસ્તારમાં આવેલ મજરે સૈયદી ખોજબીન મલકની દરગાહની ઓરડીમાં ગત ૧૮ દિવસ પહેલા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ એલ.સી.બી. સ્ટાફની ટીમે ઉકેલી નાખ્યો છે. ચોરીને અંજામ આપનાર કપડવંજના ચાર ઈસમોને ચોરી કરેલ રોકડ રકમ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
જિલ્લા એલ.સી.બી. સ્ટાફના માણસો કપડવંજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન કપડવંજ બસ સ્ટેશન પાસે અ.પો.કો. નીલેશકુમાર કનુભાઇ અને અ.પો.કો. જીતેન્દ્રકુમાર ગોરધનભાઇને બાતમી મળી હતી કે, ૧૮ દિવસ પહેલા દરગાહની દાન પેટીમાંથી થયેલ ચોરીને અંજામ આપનાર ચાર ઈસમો આજ રોજ કપડવંજથી નડિયાદ રોડ પર આવેલ કોર્ટ પાસેના સરદારબાગની બાજુમાં, સ્મશાનની પાસે મહોર નદીના પટ ઉપર ભેગા થયેલા છે અને ચોરી કરેલ રોકડ રકમની વહેંચણી કરવાના છે. માહિતીના આધારે એલ.સી.બી.ની ટીમે તુરંત જ બાતમીવાળી જગ્યા પર જઈ તપાસ કરતા નદીના પટમાં બેઠેલા ચાર ઈસમોને ઝડપી પાડયા હતા. પુછપરછ કરતા તેમણે પોતાનું નામ ઇરફાનઅલી ઉર્ફે બોડી હસનઅલી સરીફમીયા સૈયદ રહે, કપડવંજ, કસ્બા, સૈયદવાડો કપડવંજ, નાસીરભાઇ કાલુભાઇ ગુલામહુસેન મલેક રહે, મોતીપુરા, કપડવંજ અલ્તાફ જહુરશા મહંમદશા દિવાન રહે, કપડવંજ બંગડીવાડ, કાંચના કારખાના પાસે. પોલીસે તમામ આરોપીઓની અંગ જડતી કરતા તેમની પાસેથી કુલ રોકડ રકમ રૂા. ૬૫ હજાર તથા બે નંગ મોબાઈલ ફોન કિંમત રૂા. ૧૦ હજાર મળી કુલ રૂા. ૭૫ હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

