નગરોના વિકાસ માટે આયોજન કરો, ત્વરિત કામો કરોનો મંત્ર આપતા ચેરમેનશ્રી ધનસુખ ભંડેરી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીની અધ્યક્ષતામાં દાહોદ ખાતે ૨૪ મધ્ય ગુજરાતની ૨૪ નગરપાલિકાની સમીક્ષા બેઠક યોજાઇ
વડોદરા પ્રાદેશિક નગરપાલિકા નિયામકની કચેરી હેઠળ આવતા મધ્ય ગુજરાતની ૨૪ જેટલી નગરપાલિકામાં ચાલતા વિકાસ કામોની સમીક્ષા બેઠક અહીં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવી હતી. તેમાં ઉપસ્થિત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીએ આયોજન કરો, ત્વરિત કામ કરોના સૂત્રથી જનસુખાકારીના કામો કરવા આહ્વાન કર્યું હતું. આજે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનો ૪૧મો સ્થાપના દિન પણ હતો.
શ્રી ભંડેરીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નગરોનો વિકાસ થાય એ માટે જરૂરિયાત મુજબની સંપૂર્ણ ગ્રાંટ આપવામાં આવી છે. આ વર્ષે કોરોના મહામારીનું વર્ષ છે અને એમાં રાજ્ય સરકાર દ્વારા કરકસરના પગલાં લેવાઇ રહ્યા છે. આમ છતાં, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવતા નાણાંમાં કોઇ કાપ મુખ્યમંત્રીશ્રીએ મૂક્યો નથી.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતની કૂલ વસ્તીનો મોટો હિસ્સો નગરો અને શહેરોમાં વસવાટ કરી રહ્યો છે. રાજ્ય સરકારનો વિકાસમંત્ર રહ્યો છે કે, જ્યાં માનવી ત્યાં સુવિધા, તેની આંતરમાળખાકીય વિકાસના કામો કરવામાં નગરપાલિકાની મહત્વની ભૂમિકા રહેલી છે. નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ એક ટીમ બની કામ કરે અને લોકોને ભૌતિક સુવિધા આપવાની અપેક્ષા પૂર્ણ કરે, એવું શ્રી ભંડેરીએ આહ્વાન કર્યું હતું.
ચેરમેનશ્રીએ કહ્યું કે, નગરપાલિકાઓની નિયમોનુસારની સામાન્ય સભાઓ સમયસર અને નિયમીત મળે એ જરૂરી છે. નગરપાલિકાના અધિકારીઓ લોકોની જરૂરિયાત મુજબના કામોનું આયોજન સમયસર કરે, તેની મંજૂરી મળ્યા બાદ કામો નિયત મર્યાદામાં પૂર્ણ થાય એવા ખંતથી કામ કરવા તેમણે શીખ આપી હતી.
પ્રાદેશિક નગરપાલિકા નિયામક શ્રી હર્ષિત ગોસાવીએ કાર્યક્રમની રૂપરેખા આપ્યા બાદ કહ્યું કે, કોરોનાના કપરાકાળમાં નગરપાલિકાઓ દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી છે. નગરપાલિકાએ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દિવસ કે રાત જોયા વીના યુદ્ધના ધોરણે કામગીરી કરી છે, તે બિરદાવા લાયક છે.
મધ્ય ગુજરાતની ૨૪ નગરપાલિકાઓને આંતર માળખાકીય સુવિધા, આગવી ઓળખના કામો, નાણાપંચ અંતર્ગત આપવામાં આવેલી ગ્રાંટની ઘનિષ્ઠ સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી ભંડેરીએ મહત્વપૂર્ણ સુઝાવ પણ આપ્યા હતા.
દાહોદ નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઇ રાજગોર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ અધિકારીઓ સર્વ શ્રી બી. સી. પટણી, શ્રી વી. એન. શાહ, શ્રી એન. એચ. દરજી, શ્રી કે. એચ. કાનાણી, શ્રી લખનભાઇ રાજગોર સહિત વિવિધ નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.