રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે વધુ પાંચ ગામોમાં પાકા રસ્તાની કામગીરીનું કર્યું ખાતમુહૂર્ત : દેવગઢ બારીયાના પાંચ ગામોમાં ૨૮૭.૪૦ લાખના ખર્ચે ૯.૭૮ કી.મી.ના પાકા રસ્તાઓની કામગીરીનો આરંભ
દાહોદ તા.૦૬
રાજયમાં અનલોકના તબક્કામાં દાહોદમાં વિકાસકાર્યો પૂરઝડપે આગળ ધપી રહ્યાં છે. રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે આજે દેવગઢ બારીયાના વધુ પાંચ અંતરિયાળ ગામોમાં પાકા રસ્તાની કામગીરીનું આજ રોજ ખાતમુહૂર્ત કરીને આરંભ કરાવ્યો છે. આ પાંચ ગામોમાં બૈણા, સીમળાઘસી, સેવનીયા, નાડાતોડ અને ફાંગીયાનો સમાવેશ થાય છે. આ ગામોના કુલ ૯.૭૮ કી.મી.ના છ રસ્તાઓ રૂ. ૨૮૭.૪૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
આ પ્રસંગે રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોના વિકાસ માટે રાજય સરકાર કટિબદ્ધ છે. ત્યારે આજ રોજ દેવગઢ બારીયાના વધુ પાંચ ગામોના પાકા રસ્તા માટે ખાતમુહૂર્ત કર્યું છે અને ખૂબ જ જલ્દી આ કામગીરી પૂરી કરવામાં આવશે. આ પાંચ ગામો પૈકી બૈણા ગામમાં ૧ કી.મી. નો રસ્તો ૪૦ લાખના ખર્ચે, સીમળાઘસીમાં ૧.૨૦ કી.મી.નો રસ્તો ૫૦ લાખના ખર્ચે, સેવનીયામાં ૧.૧૬ કી.મી.નો રસ્તો ૪૮ લાખના ખર્ચે, નાડાતોડમાં બે રસ્તાઓ ૧.૨૦ કી.મી. અને ૨.૯૨ કી.મી. અનુક્રમે ૪૫ લાખ અને ૫૮.૪૦ લાખના ખર્ચે અને ફાંગીયા ગામમાં ૨.૩૦ કી.મી. નો રસ્તો ૪૬ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે રાજયમંત્રી શ્રી ખાબડે દેવગઢ બારીયાના વિવિધ ગામોમાં ૧૫૭૬.૫૦ લાખના ખર્ચે ૨૮.૩૮ કિ.મી.ના પાકા રસ્તાઓની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું.
કાર્યક્રમમાં દેવગઢ બારીયાના પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પ્રતિક સોની, ગામના સરપંચશ્રી, આંગેવાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
#Sindhuuday Dahod