દાહોદમાં હવે રવિવારે પણ વાણિજ્યક પ્રવૃત્તિ કરવા છૂટછાટ આપતા કલેક્ટરશ્રી : દાહોદમાં કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર ઘટાડાને પગલે જિલ્લા વહીવટી તંત્રનો નિર્ણય
👉દાહોદના વેપારીઓને એક મહત્વપૂર્ણ રાહત આપવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયની જાણકારી આપતા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કહ્યું છે કે, હવેથી રવિવારે પણ વેપારીઓ વાણિજ્યક પ્રવૃત્તિ કરી શકશે.
👉તેમણે જણાવ્યું હતું કે, ગત્ત દિવાળીના તહેવારને ધ્યાને રાખીને તે સમયે વેપારીઓને રવિવારે વેપારી પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવી હતી. પણ, તે બાદ કોરોના વાયરસના કેસોમાં સતત વધારાને કારણે ફરી તેને અંકુશમાં લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલાક નિયંત્રણકારી નિર્ણયો કરવામાં આવ્યા હતા. જેમાં રવિવારે દાહોદ સહિત સમગ્ર જિલ્લામાં વેપારી પ્રવૃત્તિ કરવાની મનાઇ ફરમાવવામાં આવી હતી.
👉પણ, હવે છેલ્લા એક તબક્કાથી દાહોદમાં કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે બાબતને ધ્યાને રાખીને હવેથી રવિવારે પણ વેપારીઓ પોતાની દૂકાનો ખુલી રાખી શકશે, એવો નિર્ણય કરવામાં આવ્યો છે.
👉આ છૂટછાટો સાથે કોવિડ-૧૯ અંગે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેમાં વેપારધંધાના સ્થળે સામાજિક અંતરના નિયમોનું પાલન કરાવવાનું રહેશે અને ત્યાં સેનિટાઇઝરની વ્યવસ્થા રાખવાની રહેશે. આ ઉપરાંત, ગ્રાહકો માસ્ક પહેરીને આવે તે બાબતની ખાતરી કરવાની રહેશે.