પોલીસને બ્લાસ્ટ સ્થળેથી એક કવર,દુપટ્ટો સહિતની વસ્તુઓ મળી ઃ દિલ્હી ઇઝરાયેલ દૂતાવાસ બ્લાસ્ટની જવાબદારી જૈશ-ઉલ-હીંદ સંગઠને લીધી ઃ ઘટનાસ્થળ પાસેથી મળેલી ચિઠ્ઠીમાં ઈરાનના કાસિમ સુલેમાની અને વરિષ્ઠ ન્યૂક્લિઅર વૈજ્ઞાનિકનો ઉલ્લેખ, સીસીટીવી ફૂટેજમાં બે શંકાસ્પદ જાેવા મળ્યા

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૦
રાજધાની દિલ્હીમાં ઇઝરાયલના દૂતાવાસ બહાર થયેલા બ્લાસ્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે. દૂતાવાસ નજીક થયેલા આઇઇડી બ્લાસ્ટની જવાબદારી જૈશ-ઉલ હીંદ નામના સંગઠને લીધી છે. આ સંગઠને દાવો કર્યો છે કે તેણે જ ઈઝરાયેલી દૂતાવાસની સામે બ્લાસ્ટ કરાવ્યો છે. દેશની ગુપ્તચર એજન્સી દ્વારા આ બાબતની તપાસ કરાવાઈ રહી છે.
દિલ્હી પોલીસના સૂત્રોના મતે ઈઝરાયલ દૂતાવાસ બહાર જ્યાં ગઈકાલે વિસ્ફોટ થયો હતો ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજથી માલુમ પડ્યું છે કે, એક કેબમાંથી બે સંદિગ્ધ શખ્સો દૂતાવાર પાસે ઉતર્યા હતા. જાે કે હજી સુધી એ જાણી શકાયું નથી કે આ શખ્સોની વિસ્ફોટમાં કોઈ ભૂમિકા છે કે કેમ. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે સંબંધિત કેબ ડ્રાઈવરનો સંપર્ક કર્યો હતો અને બન્ને વ્યક્તિઓ વિશે પૂછપરછ કરી હતી. પોલીસે કેબ ડ્રાઈવર પાસેથી મળેલા ઈનપુટના આધારે બન્ને શખ્સોની તસવીરો તૈયાર કરી છે.
ઈઝરાયલ દૂતાવાસ પાસે શુક્રવારે સાંજે ઓછી તિવ્રતા સાથેનો વિસ્ફોટ થયા બાદ પોલીસ હાઈ એલર્ટ પર છે. સૂત્રોના મતે વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જાે કે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિસ્ફોટ કોઈ મોટા કાવતરા પૂર્વેનું ટ્રાયલ પણ હોઈ શકે છે.
ફોરેન્સિક ટીમને વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો હોવાના પુરાવા મળ્યા છે, જેને પગલે બ્લાસ્ટના સ્થળે એક નાનકડો ખાડો પડી ગયો હતો. સૂત્રોના મતે જાે આરડીએક્સનો ઉપયોગ થયો હોત તો તેને પ્રભાવ વધુ થયો હોત. પોલીસની એક અલગ ટીમે સીસીટીવી ફૂટેજના આધારે એક અર્ધબળેલો ગુલાબી દુપટ્ટો તેમજ વિસ્ફોટ સ્થળેથી ઈઝરાયલના રાજદૂતને સંબોધતું એક કવર પણ મેળવ્યું છે.
પોલીસને વિસ્ફોટના સ્થળ નજીક એક ઝાડ પાછળ કેમેરો પણ છુપાયેલો મળ્યો હતો. કેમેરામાંથી પ્રાપ્ત ફુટેજમાં ટાઈમસ્ટેમ્પ વર્ષ ૧૯૭૦નો હતો, પરંતુ ફુટેજ સ્પષ્ટ નથી. પોલીસ આ તમામ બાબતોની તપાસ કરી રહી છે.
ઘટનાસ્થળેથી જે કવર મળ્યું છે તે વિસ્ફોટ સ્થળેથી અંદાજે ૧૨ ગજના અંતરે હતું. પોલીસ સૂત્રોના મતે આ કવર ઈઝરાયલના રાજદૂતને સંબોધીને લખાયું હતું. પોલીસ તેના પર આંગળીઓના નિશાન અને કવરની અંદરના દસ્તાવેજની તપાસ કરી રહી છે.
આ વિસ્ફોટ વિજય ચોકથી થોડા અંતરે આવેલા ડો. એપીજે અબ્દુલ કલામ રોડ પર આવેલા ઈઝરાયલ દૂતાવાસ નજીક થયો હતો. ઓછી તીવ્રતાવાળા બ્લાસ્ટને પગલે કેટલીક ગાડીઓના કાચ તૂટી ગયા હતા. વિજય ચોક ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાક વીવીઆઈપી બીટિંગ રિટ્રીટ સમારોહમાં ઉપસ્થિત હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: