દાહોદની ઝાયડસ હોસ્પીટલ અને મેડીકલ કોલેજ ખાતે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સૌપ્રથમ કોરોનાની વેક્સિન લઇ વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો : વેક્સિનેશનના બીજા તબક્કામાં ૨૮૦૦ ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસને વેક્સિન અપાશે : જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે પણ કોરોના વેક્સિન લીધી
દાહોદ, તા. ૩૧
દાહોદમાં કોરોના રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સૌપ્રથમ પોતાને રસીકરણ કરાવીને કરાવ્યો છે. દાહોદની ઝાયડસ હોસ્પીટલ અને મેડીકલ કોલેજ ખાતે તેમણે સૌપ્રથમ કોરોનાની વેક્સિન લીધી હતી. તેમની આ પ્રેરણાદાયી પહેલમાં જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર પણ જોડાયા હતા અને તેમણે પણ કોરોનાની વેક્સિન લીધી હતી. બીજા તબક્કામાં જિલ્લાના ૨૮૦૦ જેટલા ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસને આગામી પાંચ દિવસમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં મહેસુલ, પોલીસ વિભાગ અને નગરપાલિકા સહિતના વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે.
આ પ્રસંગે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, આજે ૩૧ જાન્યુઆરીથી સમગ્ર રાજયમાં અને દાહોદમાં પણ આરોગ્ય વિભાગ પછીના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મહેસુલ, પોલીસ વિભાગ અને નગરપાલિકાના કર્મચારીઓથી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. બીજા તબક્કામાં જિલ્લાના ૨૮૦૦ ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસને રસી આપવામાં આવશે. આ કામગીરી ત્રણ થી પાંચ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, રાજય સરકારે કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસ તરીકે કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓને સામેલ કર્યા છે. આપણા સૌ માટે આ એક ગૌરવની વાત છે. આગામી સમયમાં બાકીના વિભાગના કર્મચારીઓને પણ વેક્સિન આપવામાં આવશે. ઉપરાંત ૫૦ થી વધુ વયના નાગરિકો અને પ૦ થી નીચેના કોમોરબીડ હોય તેવા નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવશે. કોરોના વેક્સિન બાબતે કોઇ પણ જાતનો ડર રાખવાનો નથી કે અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહી. આપણે પોતે કોરોના વક્સિન લઇને બીજા માટે ઉદાહરણરૂપ થવું જોઇએ.
આજે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ નવા બનેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોલીયો રસીકરણનો પણ પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ ઝાયડસ હોસ્પીટલ અને મેડીકલ કોલેજ ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો અને વિવિધ વિભાગોના ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસે આજે કોરોનાની વેક્સિન લીધી હતી.
#Sindhuuday Dahod