પાકિસ્તાનના કાવતરાનો ઘટસ્ફોટ ઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલની ઓફિસની આતંકીઓએ કરી રેકી, એજન્સીઓ એલર્ટ
ન્યુ દિલ્હી,તા.૧૩
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ઓફિસની આતંકવાદીઓએ રેકી કરી હોવાની વાત સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. જૈશ સાથે જાેડાયેલા હિદાયત-ઉલ્લાહ મલિક પાસેથી ડોભાલની ઑફિસની રેકીનો એક વીડિયો સામે આવ્યા છે. આ ઘટના સામે આવતા જ ડોભાલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જૈશ સાથે જાેડાયેલા હિદાયત-ઉલ્લાહ મલિકની કાશ્મીરના શોપિયાંના રહેવાસી મલિકને ૬ ફેબ્રુઆરીએ ધરકપડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ રેકી ગત વર્ષે કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને પીએમ મોદીના જેમ્સ બોન્ડ તરીકે ઓળખાતા અજીત ડોભાલની ઓફિસની જ જૈશ-એ-મોહમ્મદના આતંકીએ રેકી કરી હોવાની જાણકારી મળતા જ દેશભરમાં સનસનાટી મચી જવા પામી છે. ડોભાલની રેકી જૈશ સાથે જાેડાયેલા હિદાયત-ઉલ્લાહ મલિક નામના આતંકવાદીએ કરી હતી. મલિકે ડોભાલની ઓફિસ અને શ્રીનગરના જુદા જુદા વિસ્તારોનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. મલિક આ વીડિયોને તેના આતંકી આકાઓને પાકિસ્તાન મોકલતો હતો. આ જાણકારી સામે આવતા જ સુરક્ષા એજન્સીઓના કાન સરવા થઈ ગયા છે અને એલર્ટ થઈ ગઈ છે.
આ મામલે ફરિયાદ નોંધવામં આવી છે. જમ્મુના ગંગ્યાલ પોલીસ સ્ટેશનમાં મલિક વિરૂદ્ધ યૂએપીની કલમ ૧૮ અને ૨૦ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. મલિકને જૈશના ફ્રંટ ગ્રુપ લશ્કર-એ-મુસ્તફાનો પ્રમુખ ગણાવવામાં આવી રહ્યો છે. અનંતનાગમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. મલિક પાસે હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે. ૨૦૧૬માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક અને ત્યાર બાદ ૨૦૧૯માં બાલાકોટ એરસ્ટ્રાઈક બાદથી જ ડોભાલ સતત પાકિસ્તાની આતંકીઓના હિટલિસ્ટમાં છે. મલિકે આ વીડિયો વોટ્સઅપ દ્વારા તેના પાકિસ્તાની હેંડરલર્સને મોકલ્યા હતાં.
અહેવાલો અનુસાર, મલિકે પૂછપરછ દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે તેને મે ૨૦૨૦માં એક આત્મઘાતી હુમલા માટે સેંટ્રો કાર આપવામાં આવી હતી. આ માટે મલિક તેના સાથીદારો ઇરફાન ઠોકર, ઓમર મુસ્તાક અને રઈસ મુસ્તફા સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં એક બેંકની કેશવાનમાંથી ૬૦ લાખ રૂપિયા લૂંટ કરી હતી. મલિકે પૂછપરછમાં પાકિસ્તાન સ્થિત ૧૦ લોકોના સંપર્ક નંબરો, કોડ નામો પણ જણાવ્યા છે. આ વિગતના આધારે મલિકના બે સંપર્કોને શોપિયા અને સોપોરમાં ઠાર માંરવામાં આવ્યા હતા. મલિક જુલાઇ ૨૦૧૯માં હિઝબુલ મુઝાહિદ્દીનમાં સામેલ થયો હતો. આ પહેલા તેણે જૈશના ઓવર ગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કર્યું હતું. જાે કે, બાદમાં તેને ફરીથી જઇશમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આ વર્ષે જ ફેબ્રુઆરીમાં જૈશનો ફ્રન્ટ ગ્રૂપ લશ્કર-એ-મુસ્તફા બનાવવામાં આવ્યો હતો.