મતદાર જાગૃતિ માટે દાહોદ નગરમાં યોજાઇ સાયકલ રેલી
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આગામી તા. ૨૮મીના રોજ યોજનારી ચૂંટણીને અનુલક્ષીને મતદારોમાં જાગૃતિ કેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રવિવારે વહેલી સવારે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ સાયકલ રેલીનું નેતૃત્વ કર્યું હતું.
સાયકલ રેલીના પ્રારંભે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ એક વાતચીતમાં જણાવ્યું કે, આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ચૂંટણી પ્રક્રીયા લોકશાહીનો આત્મા છે અને મતદાન કરી નાગરિકો એને તંદુરસ્ત બનાવે છે. મતદાન એ તમામ નાગરિકોનો બંધારણીય અધિકાર છે. લોકો પોતાના આ અધિકાર પ્રત્યે વધુ જાગૃત બને અને ચૂંટણી પ્રક્રીયામાં સહભાગી બને એ માટે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીમાં કલેક્ટર શ્રી વિજય ખરાડી, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર શ્રી એ. એ. પટેલ ઉપરાંત નગરના સાયકલિસ્ટ જોડાયા હતા. સર્કિટ હાઉસથી શરૂ થયેલી સાયકલ રેલી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ૧૩ કિલોમિટર લાંબા રૂટમાં સાયકલસવારોએ નારા લગાવી નગરજનોને મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા.