જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઓચિંતી મુલાકાત : કર્મચારીઓ ગેરહાજર માલુમ પડતા કારણદર્શક નોટીશ આપી
દાહોદ તા. ૨૫
જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે ગત તા. ૨૪ ના રોજ જિલ્લા પંચાયતની તમામ શાખાઓની આકસ્મિક મુલાકાત લીધી હતી અને કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઓચિંતી મુલાકાતમાં ૫ અધિકારીઓ તેમજ ૩૦ જેટલા કર્મચારીઓ ગેરહાજર માલુમ પડયાં હતા. જેમાં નાયબ ચિટનીશ, સિનિયર તેમજ જૂનીયર કલાર્ક ગેરહાજર હતા. આ તમામ અધિકારીઓ-કર્મચારીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કારણ દર્શક નોટીશ ફટકારી છે અને ભવિષ્યમાં આવી ભૂલ થશે તો પંચાયત સેવા શિસ્ત અને અપીલના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તમામ શાખાઓમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રજાલક્ષી કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી.