નક્સલીઓએ ૭૦૦ જવાનોને ૩ દિશાથી ઘેરી કર્યું ફાયરીંગ, લૂંટ્યા ૨ ડઝન સુરક્ષાકર્મીઓના હથિયાર : છત્તીસગઢમાં નક્સલી હુમલો, ૨૪ જવાન શહીદ
(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.૪
શનિવારે બસ્તરના બીજાપુરમાં નક્સલીઓએ ૭૦૦ સૈનિકોને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. બીજાપુર એસપીએ જણાવ્યું કે, આ હુમલામાં ૨૨ જવાનો શહીદ થયા છે. જાે કે, આ સંખ્યા ૨૪ હોવાની આશંકા છે.ગ્રાઉન્ડ ઝીરોનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ૨૦ જવાનોના મૃતદેહ હજી ઘટનાસ્થળે જ જાેવા મળી રહ્યા છે. અહીં રેસ્ક્યૂ ટીમ પણ હજી સુધી પહોંચી શકી નથી.
બીજાપુરના એસપીએ જણાવ્યું કે, નક્સલીઓ સાથે થયેલી આ અથડામણમાં ૨૨ જવાન શહીદ થયા છે અને અનેક જવાન લાપતા છે. નક્સલીઓએ બે ડઝન કરતા પણ વધારે સુરક્ષાકર્મીઓ પાસેથી તેમના હથિયારો છીનવી લીધા છે.
શનિવારે થયેલ આ અથડામણમાં પહેલા માત્ર ૫ સૈનિકો શહિદ થયાના સમાચાર મળ્યાં હતાં. એવું કહેવામાં આવ્યું હતું કે નક્સલવાદીઓ સાથેની અથડામણમાં ૫ સૈનિકો શહિદ થયા હતા, જ્યારે ૨૧ લાપતા થયા હતા. પરંતુ આજે બપોરે સૈનિકોના મૃતદેહ સામે આવતા આંકડો વધી ગયો છે. હાલમાં ગુમ થયેલ સૈનિકોની શોધમાં આજે સવારથી સર્ચ ઓપરેશન તીવ્ર કરવામાં આવ્યું છે.
આજે સામે આવેલા દ્રશ્યો વિચલિત કરે તેવા છે. એક રિપોર્ટ પ્રમાણે, નક્સલવાદીઓ ગામમાં હાજર હતા અને એક મહુઆના ઝાડ પાસે ૬ સૈનિકોની લાશ પડી હતી. તે જ સમયે ૩ જવાનનાં મૃતદેહ પણ એક અંતરે પડેલા હતા અને નજીકના મકાન પાસે એક જવાનનો મૃતદેહ પડ્યો હતો. ગામ લોકોએ જણાવ્યું કે, આગળ અને જંગલમાં ૧૦ જેટલા સૈનિકોની લાશ પડી છે. આપને જણાવી દઈએ કે સુરક્ષા દળો સાથે નક્સલવાદીઓની પહેલી અથડામણ ગામની નજીકની ટેકરીમાં થઈ હતી. ઇજાગ્રસ્ત સૈનિકોને લઈ જતી ટીમ પર બીજી વાર નક્સલીઓએ હુમલો કર્યો હતો જેના જવાબમાં સૈનિકોએ પણ ગોળીબાર કર્યો હતો.
સુરક્ષા દળોને જાેનાગુડાની પહાડીઓ પર નક્સલીઓએ ડેરો જમાવ્યો હોવાની સૂચના મળી હતી. ત્યાર બાદ શુક્રવારે રાતે બીજાપુર અને સુકમા જિલ્લાના કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની કોબરા બટાલિયન, ડીઆરજી અને એસટીએફના સંયુક્ત દળના નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત ૨,૦૦૦ જવાનોને રવાના કરવામાં આવ્યા હતા. પરંતુ શનિવારે નક્સલીઓએ તર્રેમ વિસ્તારની જાેનાગુડા પહાડી પાસે ૭૦૦ જવાનોને ઘેરીને તેમના પર હુમલો કરી દીધો હતો. નક્સલીઓ જવાનોને ૩ દિશાથી ઘેરીને તેમના પર ફાયરિંગ કરવા લાગ્યા હતા. આશરે ૩ કલાક ચાલેલી અથડામણમાં ૧૫ નક્સલી ઠાર મરાયા હતા. આ હુમલામાં ૨૨ જવાન શહીદ થયા છે અને ૩૧ કરતા પણ વધારે ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે.