ધાનપુરના ભોરવા ગામે ચાંદલા વિધીમાં કોરોના ગાઈડ લાઈનનું ભંગ થતાં બે વિરૂધ્ધ ગુનો દાખલ

દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લામાં હાલ કોરોનાની કેર ચાલી રહ્યો છે ત્યારે લગ્ન પ્રસંગોમાં કોરોના ગાઈડ લાઈનના ભંગ બદલ ધાનપુર તાલુકાના ભોરવા ગામે ચાંદલા વિધીમાં ૨૦૦થી વધુ માણસોના ટોળું જાેવાતાં પોલીસે નિમંત્રક અને ડી.જે.સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા એક માસથી કોરોના સંક્રમણના કેસો કુદકેને ભુસકે વધી રહ્યાં છે અને તેમાંય મૃત્યુ આંકનો ગ્રાફ પણ વધી રહ્યો છે. ખાસ કરીને હાલ લગ્નસરાની સીઝન પુરજાેશમાં ચાલી રહી છે. દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લગ્નસરાની સીઝન હોઈ બજારોમાં ભારે ભીડ પણ જાેવા મળી રહી છે ત્યારે રાજ્ય સરકારે લગ્ન પ્રસંગમાં માત્ર ૫૦ વ્યક્તિઓની મંજુરી આપવામાં આવી છે અને તેમાંય લગ્ન પ્રસંગમાં ફરજીયાત માસ્ક અને સોશીયડલ ડિસ્ટન્સનું પાલન કરવાનું અનુરોધ પણ કરવામાં આવ્યો છે ત્યારે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામે રાખવામાં આવેલ ચાંદલા વિધિમાં ગતરોજ ૨૦૦થી વધુ માણસોનું ટોળુ અને મોડી રાત્રી સુધી ડી.જે. વગાડવાના ગુન્હામાં નિમંત્રક અને ડી.જે.સંચાલક વિરૂધ્ધ ધાનપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
