દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં ત્રણના મોત
દાહોદ તા.૩
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતને કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં ત્રણ જણાના અકાળે મોતને પગલે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો જ્યારે અન્યને શરીરે ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના શાહડા ગામે ગત તા.બીજી મેના રોજ બનવા પામ્યો હતો જેમાં એક ફોર વીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઇ રહેલા બે મોટરસાયકલોને અડફેટમાં લઇ જોશભેર ટકકર મારતા બંને મોટરસાયકલ પર સવાર અરવિંદભાઈ પરમાર અને બીજી મોટરસાયકલ પર સવાર મનુભાઈ રૂમાલભાઈ બંને મોટર સાયકલ પરથી ફંગોળાઇ જમીન પર પટકાયા હતા જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ સબંધ દાહોદ તાલુકાના દસલા ગામે પીર ફળિયામાં રહેતા રમેશભાઈ રૂમાલભાઈ પરમારે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજો બનાવ ધાનપુર તાલુકાના રાછવા ગામે ગત તારીખ ૨જી મેના રોજ બનવા પામ્યો હતો જેમાં એક ટ્રેકટરના ચાલકે પોતાના કબજાની ટ્રેક્ટર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પસાર થઈ રહ્યો હતો તે સમયે રાછવા ગામેથીજ પસાર થઇ રહેલ ભાવસિંગભાઈ કાળુભાઈ સંગાડા અને તેમની પત્ની અંજનાબેન બંને એક મોટરસાયકલ પર સવાર થઈ પસાર થઇ રહયા હતા. આ દરમિયાન ટ્રેકટરના ચાલકે પોતાના કબજાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આ ભાવસિંગભાઈની મોટરસાયકલને અડફેટમાં લેતા ભાવસિંગભાઈ અને તેમની પત્ની અંજનાબેન બંને મોટરસાઇકલ પરથી જમીન પર પટકાયા હતા જેને પગલે ભાવસિંગભાઈ ને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સંબંધે ઇજાગ્રસ્ત અંજનાબેન ભાવસિંગભાઈ સંગાડાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.