મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન અંતર્ગત શરૂ થયેલા વિલેજ કોવીડ કેર સેન્ટર શંકાસ્પદ-માઇલ્ડ દર્દીઓ માટે આઇસોલેટ – સાજા થવાની મોટી સુવિધા : જિલ્લામાં ૬૯૯ ગામોમાં ૭૩૨ સીસીસીમાં ૧૪૫૮૧ બેડની સુવિધા, ૮૫૭ શંકાસ્પદ વ્યક્તિઓએ લાભ લીધો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧લી મે એટલે કે રાજયના સ્થાપ્ના દિવસથી ગામડાઓમાં કોરોના સંક્રમણને ફેલતું અટકાવવા મારૂં ગામ, કોરોના મુક્તગામ અભિયાનની શરૂઆત કરી છે. કોરોનાના ૯૦ ટકા જેટલા કેસો જે શરૂઆતના જ તબક્કામાં એટલે કે વ્યક્તિમાં લક્ષણો ન દેખાતા હોય કે માઈલ્ડ લક્ષણો જ હોય ત્યારથી જો સારવાર આપવામાં આવે તો ઝડપથી સાજા થઇ શકે છે અને કોરોનાગ્રસ્ત વ્યક્તિને આઇસોલેટ કરીને સંક્રમણ પણ ફેલાતું અટકાવી શકાય છે. આ વાતને કેન્દ્રમાં રાખીને રાજયના ગામો કોરોનામુક્ત બને એ માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
દાહોદની વાત કરીએ તો જિલ્લામાં અત્યાર સુધીમાં યુદ્ધના ધોરણે દરેક ગામમાં વિલેજ કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. દરેક ગ્રામ પંચાયત દીઠ એક કમ્યુનિટિ કોવીડ કેર સેન્ટર ઊભું કરવાના ઉદ્દેશ સાથે જિલ્લાના ૬૯૯ ગામોમાં ૭૩૨ જેટલા વિલેજ કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અને ત્યાં ૧૪૫૮૧ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જયાં વસ્તી વધારે હોય એ પ્રમાણે સેન્ટર પણ વધારે તૈયાર કરવામાં આવ્યા છે. તાલુકા પ્રમાણે જોઇએ તો દાહોદમાં ૯૦, ઝાલોદમાં ૧૧૫, ફતેપુરામાં ૮૭, સિંગવડમાં ૮૬, લીમખેડામાં ૮૩, દેવગઢ બારીઆમાં ૮૭, ધાનપુરમાં ૮૯, ગરબાડામાં ૪૧, સંજેલીમાં ૫૪ વિલેજ કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
આ કોવીડ કેર સેન્ટર ખાતે ફક્ત શંકાસ્પદ, કોરોનાના લક્ષણો ન જણાતા હોય એવા કે માઇલ્ડ લક્ષણો ધરાવતા લોકોને જ રાખવામાં આવે છે. જિલ્લાના ૭૩૨ વિલેજ કોવીડ કેર સેન્ટરોમાં અત્યાર સુધી ૮૫૭ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ જેમને શરદી-ખાંસી-તાવ જેવા લક્ષણો હતા તેમણે આ સેન્ટરનો લાભ લીધો હતો.
આ સેન્ટરો ખાતે દવાઓ, ઓક્સીમીટર વગેરેની વ્યવસ્થા સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિષયક અન્ય કામગીરી પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફિસર અને તેમની નીચેના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. અહીં દર્દીઓને રહેવા, જમવાની તેમજ પીવાના શુદ્ધ પાણી સહિતની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આ સેન્ટરના યોગ્ય સંચાલન-વ્યવસ્થા માટે ગામના જ દસ આગેવાનોની એક સમિતિ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ગામના જ અન્ય મંડળો, સમિતિઓ, આગેવાનોની પણ આ માટે મદદ લેવામાં આવી રહી છે.

