દુનિયા માટે અમેરિકાથી આવ્યા રાહતના સમાચાર : અમેરિકામાં રસીના બંન્ને ડોઝ લેનારને માસ્ક પહેરવામાંથી મુક્તિ : અમેરિકા કોરોનામુક્ત બનવા તરફ આગળ વધ્યુ, અત્યાર સુધી ૨૬.૫ કરોડ લોકોને વેક્સિન અપાઇ, રસીના બંન્ને ડોઝ લેનારને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કમાંથી મુક્તિ અપાઇ
(જી.એન.એસ.)વોશિંગ્ટન,તા.૧૪
કોરોના સંક્રમણની થપાટ ખાઈ ચુકેલું અમેરિકા હવે તેને માત આપતું નજરે ચડી રહ્યું છે. યુએસ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના કહેવા પ્રમાણે અમેરિકામાં વેક્સિનના બંન્ને ડોઝ લઇ લીધા હોય તે લોકો હવે માસ્ક પહેર્યા વગર અથવા તો ૬ ફૂટના અંતરથી પોતાની ગતિવિધિઓ કરી શકશે.
અમેરિકાની કુલ સંખ્યા ૩૩.૧ કરોડની છે. માહિતી પ્રમાણે, અમેરિકામાં અત્યાર સુધીમાં ૨૬.૫ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેમાંથી ૧૨ કરોડ લોકો ફુલી વેક્સિનેટેડ છે. આમ, અત્યારે હાલ અમેરિકાની કુલ વસતિના ૩૬% લોકો ફુલી વેક્સિનેટેડ થઈ ગયા છે. જાે કે, આ નિયમ જે વિસ્તારમાં હાલ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે અથવા તો સરકારે જ્યાં હજુ પણ પ્રતિબંધ મુકેલો છે ત્યાં લાગુ નહીં થાય.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં મોટા પાયે વેક્સિનેશનની કામગીરી થઈ છે. અમેરિકામાં મોટા ભાગે તમામ વયસ્કોને વેક્સિન આપવાનું કામ પૂરૂ થઈ ચુક્યું છે અને તાજેતરમાં જ બાળકોને વેક્સિનેશનની મંજૂરી આપવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને આ મુદ્દે સીડીસીની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી. બાઈડને કહ્યું હતું કે, મને થોડા સમય પહેલા જ ખબર પડી કે સીડીસીએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય તે લોકો માટે માસ્કની અનિવાર્યતા હટાવી લીધી છે. આ એક મોટી ઉપલબ્ધિ છે. એક મહાન દિવસ છે. આપણે દેશમાં મોટા ભાગના અમેરિકનોને ખૂબ જ ઓછા સમયમાં વેક્સિન આપી તેના કારણે જ આ સંભવ બની શક્યું.
બાઈડને કહ્યું કે, છેલ્લા ૧૪૪ દિવસથી આપણા વેક્સિનેશન કાર્યક્રમે સમગ્ર વિશ્વનું નેતૃત્વ કામ કર્યું છે. આ અનેક લોકોની આકરી મહેનતના કારણે જ સફળ થઈ શક્યું. વૈજ્ઞાનિક, રિસર્ચર્સ, દવા કંપનીઓ, નેશનલ ગાર્ડ, યુએસ મિલિટરી, ફેમા, તમામ ગવર્નર, ડૉક્ટર, નર્સ વગેરેએ આકરી મહેનત કરી.
અમેરિકા દુનિયામાં ટોપ પર છે જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધારે છે. અહીં અત્યાર સુધી ૩ કરોડ ૩૬ લાખ ૧૫ હજારથી વધારે કોરોના દર્દી સામે આવી ચુક્યા છે, જ્યારે અત્યાર સુધી કુલ ૫ લાખ ૯૮ હજારથી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યારે ૬૩ લાખ ૫૮ હજારથી વધારે કોરોનાના એક્ટિવ દર્દીઓ પોતાની સારવાર કરાવી રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી ૨ કરોડ ૬૬ લાખથી વધારે સંક્રમિતો સારવાર ઠીક થયા છે.