જિલ્લા અદાલત દાહોદ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જિલ્લા અદાલત, દાહોદ ખાતે પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી આર.એમ. વોરાના માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી બી.એચ.સોમાણીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કરીને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવા માટેનો સંદેશો તેઓએ આપ્યો હતો.
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી બી.એચ.સોમાણીની અધ્યક્ષતામાં પર્યાવરણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી સોમાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, વૃક્ષોએ પર્યાવરણ માટે અત્યંત આવશ્યક છે. વૃક્ષોથી જ પર્યાવરણમાં ઓક્સિજનનું યોગ્ય પ્રમાણ જળવાઇ રહે છે. પર્યાવરણીય વિષમતાથી બચવા માટે વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઇએ. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા એક વૃક્ષનું જતન કરવા માટે સંકલ્પ લેવો જોઇએ. વૃક્ષોની જાળવણી અને સંવર્ધન માટે લોકોએ જાગૃત થઇને પર્યાવરણ બચાવવા માટે જોતરાવું જોઇએ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના સંબધિત રાજય સરકારના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી, જિલ્લા અદાલતના ન્યાયાધીશોશ્રી, કર્મચારીઓ પર્યાવરણ દિનની ઉજવણીમાં જોડાયા હતા.

