દાહોદ જિલ્લાના હોટસ્પોટ વિસ્તારોમાં નાગરિકોને અગ્રતાથી કોવિડ રસી અપાશે : દૂકાનદારો, વેપારીઓ પણ સમયસર કોવિડ રસીનો ડોઝ લઇ તે હિતાવહ, કાર્યકારી કલેક્ટર શ્રી રચિત રાજની અપીલ
દાહોદ જિલ્લાના હોટસ્પોટ વિસ્તારોમાં નાગરિકોને અગ્રતાથી કોવિડ રસી અપાશે : દૂકાનદારો, વેપારીઓ પણ સમયસર કોવિડ રસીનો ડોઝ લઇ તે હિતાવહ, કાર્યકારી કલેક્ટર શ્રી રચિત રાજની અપીલ
દાહોદ જિલ્લામાં વારંવાર કેસો આવતા હોઇ એવા વિસ્તારોમાં અગ્રતાના ધોરણે રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં આવા ૨૩ ગામો અને વિસ્તારો શોધી કાઢવામાં આવ્યો છે. જ્યાં વ્યાપક રસીકરણ કરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
કાર્યકારી કલેક્ટર શ્રી રચિત રાજે જણાવ્યું કે, દાહોદમાં મહત્તમ એવા કેસો ધ્યાને આવ્યા છે કે કોઇ વ્યક્તિ ખરીદી કરવા માટે ગયો હોય અને તેમને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય. આવા સંજોગોમાં સર્વ પ્રથમ વેપારીઓ તથા દૂકાનદારોને કોરોનાથી સુરક્ષિત કરવાની જરૂર છે.
વેપારીઓ પોતે અને તેમને ત્યાં કામ કરતા કામદારો તુરંત રસી લઇ લે તેવી મારી તમામને અપીલ છે. હાલમાં દાહોદમાં ૨૨ જેટલા રસીકરણ કેન્દ્રો ઉપર ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને તથા ૨૫ કેન્દ્રો ઉપર ૧૮ વર્ષથી ઉપરના તમામનું રસીકરણ કરવામાં આવે છે.
સમગ્ર દાહોદ જિલ્લામાં એવા ૨૩ ગામો અને વિસ્તારો છે, જ્યાંથી કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન મોટા પ્રમાણમાંથી કેસો મળી આવ્યા હતા. આ વિસ્તારોમાં દાહોદ નગરના ગોદી રોડ, ગોવિંદનગર, લક્ષ્મીનગર, દેસાઇવાડ, કસ્બા, દેવગઢ બારિયામાં સ્ટેશન શેરી, રાણા શેરી અને દાહોદ રોડ, ઝાલોદ નગરમાં મીઠા ચોક અને મુવાડા, લીમડીમાં ડબગર વાસ, કારઠ રોડ, કરંબા રોડ, લીમખેડા ગામમાં ચિત્રકુટ સોસાયટી, પ્રજાપતિવાસ ઉપરાં ગામો જોઇએ તો કતવાર, પીપલોદ, ધાનપુર, બોરડી, ફતેપુરા, સુખસર, અભલોડ ગરબાડા, ગાંગરડી, ભીલવાણી, મીરાખેડી, પેથાપુર, લીલવા ઠાકોર, રૂપાખેડા, કદવાલ, બાંડીબાર, સંજેલી, રણધીકપુરમાં વિશેષ પ્રમાણમાં કેસો મળી આવ્યા છે.
આ ગામો અને વિસ્તારના લોકો ઝડપથી પોતાનું કોવિડ રસીકરણ કરાવી લે એ જરૂરી છે. આ માટે વિશેષ કેમ્પ યોજવાનું પણ આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.