વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ : વિશાળ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થતાં મોટી જાનહાની ટળી


(જી.એન.એસ.)વડોદરા,તા.૧૭
વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો અને શહેરમાં અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં અને ૩થી ૪ સ્થળોએ ઝાડ નીચે વાહનો દબાઇ ગયાં હતાં અને અનેક સ્થળોએ ટ્રાફિકજામનાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે, જાેકે છેલ્લા કેટલાક દિવસથી ગરમીના અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી છે.
વડોદરા શહેરમાં આજે મેઘરાજાનું આગમન થયું છે. કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાંક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઇ ગયાં હતાં. વડોદરાના રાત્રિબજાર પાસે આવેલું વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતાં ટ્રાફિક ખોરવાઇ ગયો હતો. આ ઉપરાંત વડોદરા શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં, જેને પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી, જેને પગલે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઇ ગયાં હતાં, જેને પગલે વીજ કંપની અને ફાયરબ્રિગેડે કામગીરી શરૂ હતી.
વડોદરા જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. પાદરામાં ૪૦ મિ.મી. વરસાદ વરસ્યો હતો. પાદરામાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયાં હતાં અને અનેક ગામોમાં અંધારપટ થઇ ગયો હતો.વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદઃ વિશાળ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થતાં મોટી જાનહાની ટળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: